ક્રાઇમ@ગોંડલ: પિતા પુત્રએ ભેગા મળી યુવકને મોતને ઘાટ ઉતાર્યો, જાણો સમગ્ર મામલો વિગતે

 
ગોંડલ

પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને શકમંદોની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે યુવાનનાં કુદરતી મોત કે હત્યાની શંકાસ્પદ ગુથ્થી પોલીસે ગણતરીની કલાકોમાં જ સુલજાવી લઈ આરોપી પિતા પુત્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે માનસિક બીમારીથી પીડાતા હરેશ બાબુભાઈ સોરઠીયા નામના યુવાનનું મોત નીપજતા પરિવારના ગણ્યા ગાંઠિયા સભ્યોએ સાથે મળી તેની અંતિમ વિધિ કરી નાખી હતી.પરંતુ યુવાનની હત્યા નીપજાવવામાં આવી હોવાની તાલુકા પોલીસને માહિતી મળતા સુલતાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ રાજદીપસિંહ જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને શકમંદોની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસ પૂછપરછમાં મૃતક હરેશના પિતા બાબુભાઈ સોરઠીયા અને ભાઈ હસમુખભાઈ પોપટ બની ગયા હતા અને જણાવ્યું હતું કે, હરેશ માનસિક બીમારીના કારણે અવારનવાર ઝઘડા કરતો હોય ઝઘડો થતા મારામારી થવા પામી હતી દરમિયાન હસમુખે હરેશભાઈને ધક્કો મારતા તે નીચે પટકાયો હતો. આ દરમિયાન બાબુભાઈએ બેલાનો ઘા માથામાં મારતા તેનું મોત નિપજ્યું હતું અને આ હત્યાને કુદરતી મોતમાં નિપજાવી દેવા માટે પરિવારના ગણ્યા ગાંઠિયા સભ્યોએ એકઠા થઈ તેની અંતિમ વિધિ પણ કરી નાખી હતી. બાદમાં પોલીસે ગણતરીની કલાકમાં જ હત્યાની ગુથ્થી સુલજાવી લઈ આરોપી પિતા પુત્રની ધરપકડ કરી આઈપીસી કલમ 302, 201, 114, 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.