કાર્યવાહી@ગુજરાત: શાળામાં શિક્ષક-પ્રિન્સિપાલ પાન-મસાલા કે તમાકુ ખાતા ઝડપાયા તો લેવાશે કડક પગલાં

 
સ્કૂલ

શિક્ષક ચાલુ ક્લાસે મસાલાનું સેવન કરતો પકડાશે તો તેના વિરોધમાં ફોજદારી ગુનો નોંધાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં બાળકોની ઉપસ્થિતિમાં જ કેટલાક શિક્ષકો તેમજ આચાર્યો મસાલાનું સેવન કરે છે, તે બાબતને સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા સ્વીકારવામાં આવી છે. ત્યારે હવે આ બાબતે આપણું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યસનની વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી.

 

જે બાદમાં શાળાઓમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. જે બાદ શિક્ષણ વિભાગે આ બાબતે દરેક જિલ્લાના શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે.આ પત્રમાં શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ આપ્યો છે. આ સાથે શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા સૂચના પણ આપી છે. હવે જો કોઇ પણ શિક્ષક ચાલુ ક્લાસે મસાલાનું સેવન કરતો પકડાશે તો તેના વિરોધમાં ફોજદારી ગુનો નોંધાશે, તે પ્રકારની સિએસઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે.

આ ઉપરાંત સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા તમામ જિલ્લાના ડીઈઓને લખેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શાળામાં કે શાળાની અમુક અંતરમાં સિગારેટ-મસાલા જેવા તમાકુનું વેચાણ ન થવું જોઇએ તેનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.