ગુનો@મહેસાણા: વ્યાજખોરોના ત્રાસે યુવકનો આપઘાત, નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત 4 સામે ફરિયાદ

 
Vijapur

વ્યાજ ખોરો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વિજાપુર તાલકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ મનોજ પટેલે ઝેરી દવા ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસે ઘટના અંગે હવે વ્યાજખોરો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.હાલમાં ખાનગી શાળામાં ફરજ બજાવતા અને વિજાપુર તાલુકાના પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિતાબેન પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ અમિતાબેનના પતિ ઝેરી દવા પીધા બાદ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઈ રહ્યા હોવા દરમિયાન પણ પઠાણી ઉઘરાણી કરતા ફોન કરીને ત્રાસ ગુજાર્યો હતો.

હોસ્પિટલમાં સારવારના નાટક બંધ કરવા જેવા શબ્દો ફોન કરીને ઉચ્ચાર્યા હોવાનું પોલીસને અમિતાબેન જણાવ્યુ હતુ.વિજાપુરના હિરપુરા ગામના મનોજ શંકરભાઈ પટેલે વિજાપુર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રેણુંસિંહ ઉર્ફે દિપારામ દીનેશસિંહ ચૌહાણ, પિયુષ દેસાઈ અને સંજય દેસાઈ પાસેથી 15 લાખ રુપિયા હાથ ઉછીના પેટે લીધા હતા. આ ઉપરાંત મહાકાળી ઇલેક્ટ્રિક વાળા ભરત રામાભાઈ પટેલ પાસેથી પણ બે-ત્રણ લાખ રુપિયા હાથ ઉછીના લીધા હતા. જે રકમને ચુક્તે કરવા જતા આરોપી રેણુંસિંહ સહિતનાઓએ 10 થી 20 ટકા વ્યાજ ગણ્યુ હતુ અને ચક્રવૃદ્ધી વ્યાજ ગણી લઈને ચારેય જણાએ 40 થી 45 લાખ રુપિયા વસૂલ કર્યા હતા.

પૈસાની ઉઘરાણી માટે જાનથી મારી નાંખવા સુધીની ધમકીઓ મનોજ પટેલને આપવામાં આવી રહી હતી. જેને લઈ ત્રાસી જઈ આખરે મનોજભાઈએ ઝેરી દવા ખાઈ લઇને આપઘાતનો પ્રયાસ કરતા સ્થાનિક વિજાપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન પણ સતત ઉઘરાણી ચાલુ રાખી હતી.ઘટનાને પગલે વિજાપુર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ PI વીઆર ચાવડાએ શરુ કરી છે.