ગુનો@પાટડી: અજાણ્‍યા વાહનની અડફેટે આધેડનું ઘટના સ્‍થળે કમકમાટીભર્યું મોત,મૃતદેહ મૂકી વાહન ચાલક ફરાર

 
અકસ્માત

આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ ચલાવી રહી છે.

અટલ સમાચાર ડોટ  કોમ, ડેસ્ક

 

પાટડીમા મોડી રાત્રે હીટ એન્‍ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણ્‍યા વાહનની અડફેટે આધેડનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ. પાટડી વેલનાથનગર પાસે અકસ્‍માત સર્જી અજાણ્‍યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો.બેચરાજી માલવણ હાઈવે પર અવારનવાર ગોઝારા અકસ્‍માતની ઘટનાઓ બને છે, ત્‍યારે આવી જ હીટ એન્‍ડ રનની ઘટના મોડી રાત્રે પાટડી જૈનાબાદ રોડ પર વેલનાથ નગર પાસે બનવા પામી હતી.

 

આ ગોઝારા અકસ્‍માતની ઘટનાની જાણ થતાં પાટડી વેલનાથનગર ખાતે રહેતા સામાજિક કાર્યકરો સાગરભાઈ રબારી, ભરતભાઈ પેન્‍ટર અને ગોજીભાઈ ઠાકોર સહિતના દોડી ગયા હતા. આ અકસ્‍માત એટલી હદે ભયાનક હતો કે, માંતેલા સાંઢની માફક પુર ઝડપે આવતા અજાણ્‍યા વાહન ચાલકની અડફેટે આધેડ કાળુભાઇ ગાંડાભાઈ ઠાકોરનું પડીકું વળી ગયું હતુ.ત્‍યારે ઘટનાસ્‍થળે દોડી આવેલા આગેવાનોએ પાવડાથી ડેડબોડી ભરી પાટડી સરકારી હોસ્‍પિટલ ખાતે પોસ્‍ટ મોર્ટમ અર્થે લઈ જવામાં આવી હતી.

 

આ ઘટનાની જાણ થતાં પાટડી પોલીસે પણ સરકારી હોસ્‍પિટલ ખાતે દોડી જઈ અજાણ્‍યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્‍માતે મોત અંગેનો ગુન્‍હો દાખલ કરી એને ઝબ્‍બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં એક મહિના પહેલા માતાનુ અવસાન થયુ હતુ. અને હવે અકસ્‍માતમાં પિતાનું પણ કમકમાટીભર્યું મોત નીપજતા બે પુત્રોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી.