ક્રાઇમ@સુરેન્દ્રનગર: તારંગા ધામમાં મંદિરમાંથી પૂજારી અને પત્નીનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા હાઈવે નજીક આવેલા પ્રખ્યાત જૈન તીર્થસ્થળ તારંગા ધામમાં હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. તારંગા ધામના પૂજારી અને તેમની પત્નીના મૃતદેહ મંદિરમાં આવેલા પૂજારીના રૂમમાંથી મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં પત્નીની હત્યા કર્યા બાદ પૂજારીએ આત્મહત્યા કરી લીધી હોવાનો પોલીસને શંકાસ્પદ આધાર મળ્યો છે. તારંગા ધામમાં સવારે મંદિરના સંચાલકો અને સ્થાનિક લોકોએ પૂજારીના રૂમમાં કોઈ હલચલ ન દેખાતા તપાસ કરી હતી. રૂમ ખોલતાં અંદર પૂજારી અને તેમની પત્ની મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.
તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક મહિલાના માથામાં ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. પ્રાથમિક તારણ મુજબ, માથામાં બોથડ પદાર્થના ઘા વાગવાથી તેમનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળેથી કેટલાક શંકાસ્પદ પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા છે.પત્નીનો મૃતદેહ મળ્યા બાદ પૂજારીનો મૃતદેહ પણ રૂમમાં જ મળ્યો હતો. પોલીસને મળેલા સંજોગોને આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પત્નીની હત્યા કર્યા બાદ પૂજારીએ પોતે આત્મહત્યા કરી લીધી હોઈ શકે છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને પોલીસે દરેક પાસાની તપાસ શરૂ કરી છે.
જૈન સમાજ માટે આ ઘટના ભારે આઘાતજનક માનવામાં આવી રહી છે. તારંગા ધામ રાજ્યનું મહત્વપૂર્ણ તીર્થસ્થળ હોવાથી ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. પૂજારી અને તેમની પત્નીના અચાનક મૃત્યુના સમાચાર ફેલાતા ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.સ્થાનિક પોલીસ ઘટનાની જાણ થતાં જ તારંગા ધામ ખાતે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી.

