આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

બોટાદના જાળીલા ગામમાં ઉપસરપંચની હત્યા થઈ હતી. આ મામલે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. જેને લઇને 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે અગાઉ 3 આરોપી ભગીરથ ખાચર, કિશોર ખાચર અને હરદીપ ખાચરની ધરપકડ કરી હતી. ત્યારે હવે વધુ 4 ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે કુલ 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. હત્યાને મામલે હુમલા સમયે ઉપયોગમાં લેવાયેલી કાર પોલીસે કબ્જે કરી હતી. ઉપસરપંચનું બાઇક પણ પોલીસે કબ્જે લીધું છે. પુરાવાઓ સાથે છેડછાડ ના થાય એ માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ મામલે પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. માગ ન સ્વીકારાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ત્યારે હવે જાળિલા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હત્યાને પગલે ગામમાં SP, DYSP, SRPનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનો દ્વારા IPS કક્ષાના અધિકારીઓ આ ઘટનાની તપાસ કરે અને પરિવારને પોલીસ પ્રોટેક્શન મળે તેવી માગ કરવામાં આવી હતી. જેને લઈને બોટાદના રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને કલેક્ટર સુજીત કુમારે પરિવારજનોની મુલાકાત કરી હતી. યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. સાથે તેમણે પરિવારજનોને આશ્વાસન પણ આપ્યુ હતું.

રાણપુર તાલુકાના જાળીલા ગામે ઉપસરપંચની હત્યાનો મામલે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે જાળીલાની ઘટના સરકારની દલિત સમાજની ઉપેક્ષાનું પરિણામ છે. મૃતક પર 2010, 2011, 2016 અને 2018માં સળંગ હુમલા કરાયા હતાં. PIથી લઇ DYSP, SP અને DG ઓફિસ સુધી રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં કોઈએ દાદ દીધી ન હતી. આથી જ પરિવારજનો અને દલિત કાર્યકર્તાઓને મૃતદેહ ન સ્વીકારવાની ફરજ પડી છે.

ઉપસરપંચ મનજી સોલંકીની હત્યા મામલે ઘટનાને સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે નિવેદન આપ્યું હતું. ઘટના બાબતે મૃતકના પરિવારજનોની 6 જેટલી માંગણીઓ સરકાર સમક્ષ મૂકી હતી. જે માંગણીઓ પર સુખદ ઉકેલ લાવવા પ્રયાસ કરાશે તેમજ ન્યાયિક તપાસના પણ આદેશ આપી દેવાયા છે. તેમજ મૃતકના પરિવારજનોને 8 લાખ 25 હજારની સહાય આપવામાં આવશે. તેમજ બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લા પોલીસની વિવિધ ટીમો બનાવી આરોપીઓને વહેલી તકે જેલ હવાલે કરવા આદેશ અપાયો છે. તેમજ નિયમાનુસાર 50 ટકા રકમ ચાર લાખ 22 હજાર 500ની સહાયનો ચેક ત્વરિત ચૂકવી દેવા પણ રાજ્ય સરકારે નક્કી કર્યું છે.

બોટાદના જાળીલાના ઉપસરપંચની હત્યાને લઈને સરકારે દરમિયાનગીરી કરી છે. સમગ્ર ઘટનાને લઈને દલિત આગેવાનો અને ધારાસભ્યોની બેઠક મળી હતી. બેઠકમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર, JCP અમિત વિશ્વકર્મા, DCP નિરજ બડગુજર તેમજ સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જેમાં પરિવારજનોની 6 માંગણીઓની ચર્ચા કરવામાં આવી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code