ખતરો@બનાસકાંઠા: કોરોના, કમોસમી વરસાદ અને હવે તીડના આક્રમણનું જોખમ
ખતરો@બનાસકાંઠા: કોરોના, કમોસમી વરસાદ અને હવે તીડના આક્રમણનું જોખમ

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની જાણે કે માઠી જ બેઠી છે. કોરોનાને કારણે લૉકડાઉનથી લોકો આમ પણ પરેશાન છે ત્યારે જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી હતી. જેના કારણે બાજરી, જીરું અને એરંડાના પાકને ભારે નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. અહીં એક જ અઠવાડિયામાં બે વખત માવઠું થયું છે. કોરોના અને કમોસમી વરસાદનો કહેર ચાલુ છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં ફરીથી તીડ હુમલો કરે તેવું જોખમ રહેલું છે. આ મામલે તંત્રએ તીડનો સામનો કરવાની તૈયારી કરી લીધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનમાં તીડે રવિવારે ફરીથી આક્રમણ કર્યું છે. જૈસલમેર જિલ્લાના લાઠી, સામ, પોખરણ અને રામદેવરા વિસ્તારોમાં તીડના ઝૂંડ ઉતરી આવ્યા છે. હવે અહીંથી આ તીડના ઝૂંડ બનાસકાંઠા જિલ્લામાં આવી પહોંચે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આ માટે જિલ્લા કલેક્ટરે તંત્રને સજ્જ રહેવાની સૂચના આપી દીધી છે. છેલ્લા એક વર્ષમાં અહીં તીડ ત્રણ વખત હુમલો કરી ચુક્યા છે. ગત વખતે તીડે આક્રમણ કર્યું ત્યારે સરકાર તરફથી ખેડૂતોને સહાય પેટે 26 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત વખતે તીડે હુમલો કર્યો હતો ત્યારે ખેડૂતો પાસે પૂરતા સાધનો ન હતા. એ વખત સ્થાનિકોએ ટ્રેક્ટર પર પમ્પો બાંધીને દવાનો છંટકાવ કર્યો હતો. આ વખતે તંત્રએ પહેલાથી જ આયોજન કરી રાખ્યું છે. તીડના સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને દવાનો જથ્થો તેમજ પમ્પ સહિતની મશીનરી તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિકોને પણ ગાડીઓ તેમજ ટ્રેક્ટરો સાથે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. જેનાથી હુમલો થાય તો તાત્કાલિક તેમના પર દવા છાંટી શકાય.