આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

યાત્રાધામ અંબાજી મુકામે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળેકળાએ જામી રહ્યો છે. ઝરમર ઝરમર વરસાદમાં ભીંજાતા અખૂટ શ્રધ્ધા સાથે માતાજીના ગરબા ગાતા, નાચતા નાચતા અંબાજી તરફ માઇભક્તો જઇ રહ્યા છે. માતાજીના ભક્તોને રસ્તામાં કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્રારા ઠેર ઠેર વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અનેક સેવાભાવી સંસ્થાઓ દ્રારા શામીયાણા બાંધી સેવાકેમ્પો ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં ચા-નાસ્તો, ભોજન, આરામ, મેડીકલ કેમ્પ વગેરે સુવિધાઓ યાત્રિકોને આપવામાં આવે છે.

swaminarayan
પદયાત્રિકો માટે દાંતા રસુલપુરા પાટીયા પાસે પાટણના સિધ્ધ હેમ સેવા કેમ્પનું શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તથા યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પમાં મંત્રીએ યાત્રિકોને ખમણ, જલેબીનો નાસ્તો પીરસી માતાજીના ભક્તોની સેવા કરી હતી.

આ પ્રસંગે મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યુ હતુ કે આધશક્તિ મા અંબાના દર્શન કરવા ભાદરવી મહામેળામાં લાખો યાત્રિકો દર વર્ષે આવે છે. તેમણે કહ્યુ કે યાત્રિકોને રસ્તામાં કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ દ્રારા સેવાકેમ્પોનું આયોજન કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે દાંતા મુકામે પાટણના યુવાનો દ્રારા સિધ્ધ હેમ સેવા કેમ્પનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને તેના માધ્યમથી માઇભક્તોની સેવા કરવાનું કામ જે યુવાનો કરે છે તે અભિનંદનને પાત્ર છે.

મંત્રીએ કહ્યું કે યાત્રિકોને સરળતાથી સારા દર્શન થાય, પીવાનું સ્વચ્છ પાણી, આરોગ્યની વ્યાપક સુવિધા, લાઇટીંગની સોલાર તથા જનરેટર સાથે સુવિધા, સ્વચ્છતા, પરિવહન અને પાર્કિગ સુવિધા, વિસામા કેન્દ્રો, સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા સહિત તમામ વ્યવસ્થાઓ વ્યાપક રીતે ગોઠવવામાં આવી છે. તેમણે કહ્યું પુરતી સંખ્યામાં એસ.ટી.બસો અને ટોયલેટ બોક્ષ ગોઠવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સ્વચ્છતા પર વિશેષ ભાર મુકી સફાઇ, દવાઓનો છંટકાવ વગેરે કામ સતત ચાલુ છે.

આ પ્રસંગે મંત્રીના હસ્તે દાતાઓ અને આયોજકઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી અને કેશાજી ચૌહાણ, અગ્રણી નંદાજી ઠાકોર, કેમ્પના આયોજકઓ સહિત અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code