આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બાયડ

બાયડમાં ચૂંટણી ટાણે અડધી રાત્રે દારૂ પકડાઈ ગયા બાદ ખળભળાટ મચી ગયો છે. વૃદાવન હોટલ આગળથી બે પીકઅપ રોકી પોલીસને બદલે આગેવાનોએ દારૂની 4082 બોટલ ઝડપી લેતાં રાજકીય હડકંપ મચી ગયો છે. ઘટનાને ગણતરીના કલાકો પહેલા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા બાયડ મુલાકાત કરી ગયા હોઈ આક્ષેપો થયા છે.

બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. મતદાન થાય તે પહેલાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જે હોટલમાં આવ્યા હતા તેની એકદમ નજીકથી દારૂ ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. વૃંદાવન હોટલ નજીક કોંગ્રેસ જિલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલ અને પ્રજાજનોએ જનતા રેડ કરી હતી. જ્યાં પીકઅપ ડાલામાંથી 2.3 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. આ પછી તાત્કાલિક અસરથી બાયડ પોલીસને જાણ કરી ગુન્હો દાખલ કરાવવા દોડધામ મચી ગઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે ડેમાઈ જિલ્લા પંચાયત સીટના સભ્ય કીર્તિ પટેલે અને સ્થાનિકો વૃંદાવન હોટલ નજીક હતા. બે પીકઅપ ડાલામાં વિદેશી દારૂ ભરેલ હોઇ ચાલક અજાણ હોવાનો ડોળ કરતો હતો. આથી લોકોએ પીકઅપ ડાલુ તેના હાથે ખોલાવતા વિદેશી દારૂ ભરેલી પેટીઓ નિકળી હતી. સમગ્ર મામલે કિર્તી પટેલે બાયડ પોલીસને જાણ કરતાં દારૂ સહિત 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુન્હો દાખલ થયો હતો.

અરવલ્લી જિલ્લા પંચાયતની ડેમાઈ સીટના સદસ્ય કીર્તિ પટેલના જણાવ્યા અનુસાર વૃદાવન હોટલમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા રોકાતા હતા. અહીં તેમની મુલાકાતે જિલ્લા પોલીસવડા મયુર પાટીલ સહીત અનેક અધિકારીઓ મળવા આવ્યા હતા. હવે તે જ જગ્યાએથી વિદેશી દારૂ ભરેલ બે પીકઅપ ડાલા પકડાતા ગુજરાતમાં દારૂબંધી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. જોકે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચૂંટણી ટાણે લોકશાહીનું ખૂન- કોંગ્રેસ ઉમેદવાર જશુ પટેલ

ઘટનાને પગલે બાયડ વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસી ઉમેદવાર જશુ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકશાહીનું ખૂન કર્યું છે. ચુંટણી જીતવા મંત્રી જાડેજા છેલ્લા કેટલાક દિવસથી વૃંદાવન હોટેલ રોકાતા હતા. ત્યાં અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલ, રેન્જ આઈજી કલાકો સુધી ચર્ચા કરતા હતા. હવે તે હોટેલ નજીકથી મોટી સંખ્યામાં દારૂ ઝડપાય તો કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કોની ? જો પ્રદિપસિંહ લોકશાહીમાં માનતા હોય તો નૈતિક જવાબદારી સ્વિકારી રાજીનામુ આપવું જોઈએ તેવી માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code