નિર્ણય@ગુજરાત: ભારે વરસાદની આગાહીને પગલે GPSC અને TAT-HSની પરીક્ષાઓ મોકૂફ

 
નિર્ણય
SEB અને GPSCએ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. અતિભારે વરસાદને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડની શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)–2026 (TAT-HS) અને ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC) પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. SEB અને GPSCએ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને આગામી 2 ઑગસ્ટના રોજ યોજાનાર શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – 2026 (TAT-HS)ની ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે આ પરીક્ષા 8 ઑગસ્ટ, 2026એ શનિવારના રોજ યોજાશે.રાજ્ય પરીક્ષા બોર્ડ(SEB)ના સચિવ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઉમેદવારોએ નવી હોલ ટિકિટ ફરીથી ડાઉનલોડ કરવાની રહેશે નહીં. આમ, અગાઉ ડાઉનલોડ કરેલી હોલ ટિકિટ જ માન્ય ગણાશે. તેમજ પરીક્ષા કેન્દ્ર અને હોલ ટિકિટમાં દર્શાવેલ સમય અગાઉ મુજબ જ રહેશે. ધોધમાર વરસાદની IMDની આગાહીને પગલે આગામી 1 ઑગસ્ટના શનિવારે લેવાનાર GPSCની પ્રાથમિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આગામી 9 ઑગસ્ટના રવિવારના રોજ સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં પરીક્ષા લેવાશે.