નિર્ણય@ગુજરાત: રાજ્યમાં શાળા-કોલેજો બાદ ITI શરૂ, કોવિડ ગાઇડલાઇનનું પાલન ફરજીયાત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોનાકાળ વચ્ચે રાજ્યમાં સ્કૂલ, કોલેજો બાદ હવે ITI પણ તાલીમાર્થીઓ માટે ખોલી દેવામાં આવી છે. લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓને 200થી 250 કલાકની પ્રત્યક્ષ તાલીમ આપી શકાઈ ન હતી. જેથી હવે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ તાલીમ મળી રહે તે માટે રાજ્યની તમામ ITI ખોલવામાં આવી છે. સ્કૂલની જેમ ITIમાં પણ વાલીઓ પાસેથી સંમતિ લીધા બાદ જ વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે. પ્રત્યક્ષ તાલીમ માટે વિદ્યાર્થીઓને શિફ્ટ વાઈઝ અથવા તો અલ્ટરનેટ ડે તાલીમ આપવાનું આયોજન કરવા પણ સૂચન કરાયું છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રાજ્યમાં કોવિડ-19ની પરિસ્થિતીના લીધે તમામ ITI ખાતે માર્ચ-2020થી શૈક્ષણિક કાર્ય સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન સરકારની ગાઈડલાઈન અનુસાર, ઓનલાઈન માધ્યમથી થિયોરીટીકલ અભ્યાસ ચાલુ રાખવામાં આવ્યો હતો. જો કે લોકડાઉનની પરિસ્થિતિમાં સંસ્થાઓના વિદ્યાર્થીઓને 200-250 કલાકની પ્રત્યક્ષ તાલીમ આપી શકાઈ ન હતી. કોવિડ-19 મહામારીના કારણે 23 નવેમ્બર, 2020થી શરૂ થયેલી પ્રેક્ટીકલ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ વિષયની જે રાજ્યોની અખિલ ભારતીય વ્યવસાય કસોટી લેવાયેલી નથી. તેવા રાજ્યોમાં ઓલ ઈન્ડિયા ટ્રેડ ટેસ્ટ ફેબ્રુઆરી-2021ના પ્રથમ અઠવાડીયામાં યોજવાનું વિચારણા હેઠળ છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી ITIના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ વિષયની બાકી રહેલી તાલીમ આપવા માટે વિભાગ પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. આથી સરકાર દ્વારા રાજ્યની તમામ ITI ખાતે બાકી રહેલી પ્રેક્ટિકલ તાલીમની કામગીરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કામગીરી મંગળવારથી શરૂ કરી દેવામાં આવી છે. ITI શરૂ કરવા માટે કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. જેમાં તમામ સંસ્થાઓને સેનિટાઈઝ કરવાની સુચના અપાઈ છે. ઉપરાંત થર્મલ ગનથી વિદ્યાર્થીઓના ટેમ્પરેચરની ચકાસણી કરી પ્રવેશ આપવાનો રહેશે. આ ઉપરાંત વર્ગ ખંડ સહિતની તમામ જગ્યાઓ સમયાંતરે સેનિટાઈઝ કરવાની રહેશે.