નિર્ણય@ગુજરાત: સતત વધી રહેલી ગરમીના કારણે શાળાઓ સમયમાં ફેરફાર કરી શકશે, શિક્ષણ વિભાગનો આદેશ

 
નિર્ણય

કોઇપણ પ્રકારની ગ્રાઉન્ડ એક્ટિવિટીઝ ન કરાવવામાં આવે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી તાપમાન વધવાની આગાહી વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ મીડિયાને માહિતી આપી હતી કે હવે શાળાઓના સમય માટે શાળાઓને પોતાનું નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ આદેશ કર્યો છે કે શાળાઓ તેમની જગ્યાની હવામાન પરિસ્થિતિને આધારે શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ શકે છે. આ સિવાય ઉનાળાની ગરમીને ધ્યાને લઈને બપોરના સમયમાં કોઇપણ પ્રકારની ગ્રાઉન્ડ એક્ટિવિટીઝ ન કરાવવામાં આવે.

શિક્ષણ વિભાગે આદેશમાં ઓપન-એર ક્લાસ તેમજ કોઈ પણ પ્રકારની ખુલ્લી જગ્યામાં ચલાવતી પ્રવૃતિઓ કરવા કહ્યું છે અને સવારની પાર્થના બાદ વિદ્યાર્થીઓને બહાર ન લઇ જવાની સુચના અપાઈ છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા તાપમાન વધુમાં વધુ વધવાની આગાહી આપવામાં આવી છે. તેથી શિક્ષણ વિભાગે શાળાઓને એ પણ સૂચવ્યું છે કે વિદ્યાર્થીઓને હિટવેવના ખતરાઓ વિશે જાગૃત કરાય. ગરમ હવામાનમાં કેવી રીતે સ્વસ્થ રહેવું તેની માહિતી આપવી અને ટોપી, પાણીની બોટલ જેવી વ્યવસ્થાઓ સાથે શાળાએ આવવા માટે પ્રોત્સાહિત કરાય. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા 9 એપ્રિલ સુધી વિવિધ જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.