ડીસાઃ બેનને ત્યાં મળવા ગયેલા ભાઈ ઉપર જુની અદાવતમાં જીવલેણ હુમલો

અટલ સમાચાર, ડેસ્ક ડીસા તાલુકાના શેરપુરા ગામમાં દિવાળી નિમિત્તે બહેનને મળવા ગયેલા ભાઈ સહિતના પરિવારજનો પર જૂની અદાવતને લઈને ગામના જ ત્રણ માથાભારે શખ્સોએ હિચકારો હુમલો કર્યો હતો. જેમાં પોલીસ વડાની સતર્કતાથી ઇજાગ્રસ્તો આરોપીઓની ચુંગાલમાંથી છુટ્યા હતા. જોકે, આ હિચકારા હુમલામાં એક ભાઈને માથાના ભાગે અતિ ગંભીર ઇજા થતા તેઓને સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા.
 
ડીસાઃ બેનને ત્યાં મળવા ગયેલા ભાઈ ઉપર જુની અદાવતમાં જીવલેણ હુમલો

અટલ સમાચાર, ડેસ્ક

ડીસા તાલુકાના શેરપુરા ગામમાં દિવાળી નિમિત્તે બહેનને મળવા ગયેલા ભાઈ સહિતના પરિવારજનો પર જૂની અદાવતને લઈને ગામના જ ત્રણ માથાભારે શખ્સોએ હિચકારો હુમલો કર્યો હતો. જેમાં પોલીસ વડાની સતર્કતાથી ઇજાગ્રસ્તો આરોપીઓની ચુંગાલમાંથી છુટ્યા હતા. જોકે, આ હિચકારા હુમલામાં એક ભાઈને માથાના ભાગે અતિ ગંભીર ઇજા થતા તેઓને સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, ડીસાના અમૃતનગર સોસાયટીમાં રહેતા ગણપતભાઈ સોલંકી, કાંતિલાલ સોલંકી તેમની માતા ગલબીબેન સોલંકી સાથે દિવાળી નિમિત્તે તેમની શેરપુરા ખાતે રહેતી તેમની બહેનને મળવા ગયા હતા. દરમિયાન, જૂની અદાવતને લઈને ગામના માથાભારે ત્રણ શખ્સો મોકાનો લાભ ઉઠાવી બહેનને ત્યાં મળવા આવેલા નિહથ્થા પરિવાર પર જીવલેણ હુમલો કરતા રીતસરના તૂટી પડ્‌યા હતા.

શેરપુરા ગામના દિનેશ ભીખાજી માળી, નેનાજી ભીખાજી માળી અને નરસિંહ ભીખાજી માળી નામના માથાફરેલ શખ્સોએ તીક્ષ્‍ણ હથિયાર વડે કરેલા જીવલેણ હુમલામાં ગણપતભાઈ સોલંકીને માથાના ભાગે ધારીયાનો ઊંડો ઘા લાગતા ગંભીર ઇજા પહોંચી હતી. જયારે તેઓના ભાઈ કાંતિલાલ સોલંકી અને માતાને પણ ગડદાપાટું સહિતનો બેઠો માર મારી હુમલો કર્યો હતો.

હુમલા બાદ પણ આરોપીઓ ઇજાગ્રસ્તોને ગોંધી રાખી તેમને કાસળ કાઢી નાખવાનો બદઈરાદો ધરાવતા હતા. જોકે, આ અંગે જિલ્લા પોલીસ વડાને જાણ કરાતા તેઓની સતર્કતાને પગલે પોલીસ ઘટનાસ્થળે જવા રવાના થઇ હતી. જેની ગંધ આવી જતા પોલીસના હાથે પકડાઈ જવાની ડરે આરોપીઓ ઉભી પૂછડીએ ભાગી છૂટ્યા હતા.

દરમિયાન, 108 વાન દ્વારા ઇજાગ્રસ્ત ગણપતભાઈ સોલંકીને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓની હાલત નાજુક જણાતા તેઓને વધુ સારવાર અર્થે મહેસાણા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓ ન્યુરો સર્જનની દેખરેખ હેઠળ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યા છે. આ અંગે બાબુજી રૂપાજી સોલંકીની ફરિયાદને આધારે આગથળા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.