કાર્યવાહી@અમદાવાદ: ONGCના કૂવામાંથી ક્રૂડ ઓઈલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું; 6 શખ્સોની ધરપકડ
8 હજાર લીટર ચોરીનું ક્રૂડ ઓઈલ અને અન્ય મુદ્દામાલ જપ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાંથી ક્રૂડ ઓઈલની મોટી ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે રિંગ રોડ વિસ્તારમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન 8 હજાર લીટર ચોરીનું ક્રૂડ ઓઈલ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરીને 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.ગુજરાત ATS ની ટીમે આયોજનનગર, વીંઝોલ રિંગ રોડ ખાતે આવેલી હેપ્પી ભરવાડની પાર્કિંગની જગ્યામાં દરોડો પાડ્યો હતો.તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ખેડા જિલ્લાના સારસા ગામ ખાતે આવેલા ONGC ના ઓઈલ કુવા નંબર 26 માંથી ઓઈલની ચોરી કરી હતી. આરોપીઓએ કેશિંગ વાલ્વ મારફતે ફાઇટર પંપની મદદથી અંદાજે 8 હજાર લીટર જેટલું ક્રૂડ ઓઈલ ખેંચી લીધું હતું અને ત્યારબાદ ચોરી કરેલા આ જથ્થાને વેચાણ અર્થે અમદાવાદ ખાતે લાવ્યા હતા.
ATSની ટીમે સ્થળ પરથી ONGC ના ટેન્કરમાંથી 4500 લીટર તેમજ આઇશર ટ્રકમાંથી 3500 લીટર મળી કુલ 8000 લીટર ક્રૂડ ઓઈલ જપ્ત કર્યું છે. આ ઉપરાંત પોલીસે 5 મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ 22.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ગફાર રંગરેજ, મોહસીન રંગરેજ, જાવેદ રંગરેજ, ભીખા ચૌહાણ, નસીરુદ્દીન મલેક અને રાયસંગ ઠાકોરનો સમાવેશ થાય છે.પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, ગફાર રંગરેજ, મોહસીન, નસીરુદ્દીન મલેક, ફરાર આરોપી ઉસ્માન અને ONGC ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ મળીને આ સમગ્ર ચોરીનું કાવતરું ઘડ્યું હતું. આ ગુનામાં દાણીલીમડાનો રહેવાસી ઉસ્માન ઉર્ફે ટીકડી નામનો આરોપી હજુ ફરાર છે.

