અટલ સમાચાર, ડીસા
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે એક યુવકની કોઈ ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હત્યારાઓએ યુવાનના ગળા પર ક્રૂરતા પૂર્વક હથિયારોના ભયંકર ઘા મારી મોત નિપજાવ્યું છે. આ ઘટનાથી શહેરમાં ડરનો માહોલ ઉભો થવા પામ્યો છે.
હત્યાના ચકચારી બનાવની વિગત મુજબ ધાનેરાના નેનાવા ચાર રસ્તા પાસેના મંડપ ગોડાઉનમાં યુવકની ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારોના ઘા મારેલી લાશ પડી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ઘટના સ્થળે લોકો આવી પહોંચ્યા હતા. અને મૃતકની ઓળખવિધિ મુજબ પ્રવિણ પટેલ નામનો યુવાન હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈ લોકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાવા પામ્યા છે કે હત્યારાઓ એટલા ક્રૂર હતા કે ગળા પર ઊંડા ઘા કરી યુવાનની હત્યા કરવામાં આવી છે. આ હત્યા પાછળનું કારણ હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે. પરંતુ લોકોએ ધાનેરા પોલીસને જાણ કરતા તુરંત જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને હત્યા પાછળનું પગેરુ મેળવવા શોધખોળ હાથ ધરી છે.