આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

સમી પંથકમાં ભારે વરસાદને પગલે ફરી એકવાર સોલાર પ્લાન્ટને અસર થઇ છે. પ્લાન્ટમાં પાણી ભરાઇ જતાં વીજ ઉત્પાદન ઠપ્પ થતા સંચાલકો અને કર્મચારીઓ ત્રાહીમામ્ બન્યા છે. વરસાદના ચાર દિવસ બાદ પણ પાણી ઓસર્યા ન હોવાથી પ્લાન્ટ પાણી જ પાણી બન્યો છે. અગાઉના સંચાલકે કુદરતી આપત્તિ સામે દેવાળું ફુંકતા પ્લાન્ટનો કબજો બેંક હસ્તક લેવાયો છે. પ્લાન્ટમાં પાણી ભરાવાથી કર્મચારીઓને શોર્ટ-સર્કિટનો ભય બન્યો છે.

પાટણ જીલ્લાના સમી તાલુકાના નાયકા ગામે વરસાદની સામે સોલાર પ્લાન્ટ શિકાર થઇ ગયો છે. ચારેક દિવસ અગાઉ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ દરમ્યાન ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જેમાં સોલાર પ્લાન્ટની જગ્યા ભૌગોલિક રીતે નીચાણવાળી હોઇ પાણી ભરાતા સરોવર જેવું ચિત્ર બન્યુ છે.

70 કલાકથી પણ વધુ સમય વિતી જવા છતાં પ્લાન્ટમાં વરસાદી પાણી ઓસર્યા નથી. આ સાથે ઘાસચારો પણ ઉગી નિકળ્યો છે. પાણી નિકાલની વ્યવસ્થાના અભાવથી વારંવાર આવુ બની રહ્યું છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, નાયકાનો સોલાર પ્લાન્ટ અગાઉ વિદેશી કંપની હસ્તક હતો. ગત વર્ષ 2015 અને 2017માં અતિવૃષ્ટિથી પ્લાન્ટને ભારે નુકશાન પહોંચ્યુ હતુ. વીજ ઉત્પાદનમાં સંચાલકોને અત્યંત મુશ્કેલી થતાં અને બેંકનું દેવું વધી જતાં દેવાળું જાહેર થયુ હતુ. જેથી લોન આપનાર બેંક દ્વારા સોલાર પ્લાન્ટનો કબજો લઇ ફરી વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યુ છે. જોકે ફરી એકવાર સોલાર પ્લાન્ટમાં પાણીનો કબજો આવતા રોકાણકર્તા અને કર્મચારીઓની હાલત કફોડી બની છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code