આફત@અંકલેશ્વર: ખેતરના તળાવમાં કેમિકલ છોડી અસંખ્ય માછલીઓની હત્યા કરી, ખેડૂતને આભ ફાટ્યું

 
આફત
કેમિકલ યુક્ત પ્રવાહીથી અનેક માછલીઓના મોત થતા ચકચાર મચી છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


અંકલેશ્વરમાં ભલે વહીવટીતંત્ર અને ધારાસભ્ય બધું બરાબર હોવાનો દાવો કરે પરંતુ રાહદારીઓથી માંડી ખેતરમાં મજૂરી કરતાં લોકો પણ પારાવાર પરેશાન હોવાની ઘટના સામે આવી છે. ભ્રષ્ટાચારીઓના પાપે રસ્તાઓ ધૂળ ઉત્પાદન કરી રહ્યા અને હવે કેમિકલ માફિયા પણ ઉભા થયા છે. અંકલેશ્વર નજીક એક ખેડૂત/વેપારીના વ્યક્તિગત ખેતરમાં બનાવેલ તળાવમાં અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવી દેતાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. હકીકતમાં આ ઘટના કસૂરવારોએ ઈરાદાપૂર્વક માછલીઓની કરેલી હત્યા પણ છે. જાણીએ સમગ્ર અહેવાલ.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તમે નિકળો તો આધુનિક શહેર અને ધૂળિયા શહેરનો ભેદ ખબર પડે. હવે આ સમસ્યાનો સામનો તો થઈ રહ્યો પરંતુ અચાનક આ વિસ્તારમાં હવે કેમિકલ માફિયા પણ ઉભા થઇને જીવજંતુઓને મોતને હવાલે કરી ખેડૂત/વેપારીને નુકસાની પહોંચાડી રહ્યા છે. અંકલેશ્વર-ઉમરવાડા રોડ ઉપર આવેલ એક વેપારી/ખેડૂતના મચ્છી તળાવમાં કેમિકલ યુક્ત પ્રવાહી ફરી વળ્યું હતુ. જેનાથી ટપોટપ અસંખ્ય માછલાઓના મોત થયાનો પિડીત ખેડૂતે દાવો કર્યો છે. ઈકબાલ શેખ નામના વ્યક્તિના તળાવમાં ઘૂસી ગયેલ કેમિકલ યુક્ત પ્રવાહીથી અનેક માછલીઓના મોત થતા ચકચાર મચી છે. 

ઘટનાને સ્થાનિક જાગૃત નાગરિકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરતાં પાણીના સેમ્પલ લેવાયા છે. GPCB દ્વારા પાણી સેમ્પલ લીધા બાદ પાનોલી નોટીફાઇડ કચેરીને પણ જાણ કરવામાં આવી છે. GPCB તરફથી ઘટનાની તપાસ તો શરૂ કરાઈ પરંતુ શીઘ્રમાં જવાબદાર તત્વો વિરુદ્ધ પગલાં લઈ ખેડૂતને વળતર આપવા માંગ કરવામાં આવી છે.