ઘટસ્ફોટ@સીંગવડ: મનરેગાના બોગસ કામોના સૂત્રધારોનું લિસ્ટ, આ એજન્ટો ઉપર કરારી મહેરબાન
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સીંગવડ તાલુકામાં મનરેગાના ઢગલાબંધ બોગસ કામો ઉપર ભયંકર સવાલો છે ત્યારે તેના સૂત્રધારોની પ્રાથમિક યાદી સામે આવી છે. આ એજન્ટો ઉપર કરારીના આશીર્વાદ હોવાથી અને એજન્ટો નેતાજીના નામો વટાવી બોગસ કામો ઉપર કરોડપતિ બની ગયા છે. મનરેગાના સમગ્ર કામમાં આ એજન્ટોની કોઈ જવાબદારી ના હોવા છતાં એકમાત્ર રોકડી કરવાના ઈરાદે બોગસ કામો કર્યા છે. દરેક ગામમાં કોઈ એક એજન્ટ અથવા સમૂહના ગામોમાં મનરેગાનુ આખું સેટઅપ કરતાં આ એજન્ટો તાલુકાના કરારી સાથે સીધા સંપર્કમાં રહી છેલ્લા 4 વર્ષમાં કરોડોનું કૌભાંડ કરી ચૂક્યા છે. આ એજન્ટો અને કરારી કેવીરીતે ખૂબ જ ટૂંકા સમયમાં કરોડોના બંગલાના આસામી બન્યા તે પણ જાણીએ.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ભૂતખેડી, નાની સંજેલી, મછેલાઇ અને કટારાની પાલ્લી ગામે પાછલાં વર્ષોમાં કરોડોનું મટીરીયલ ખર્ચ મનરેગા હેઠળ થયું છે. અહીં અનેક કામો બોગસ, કેટલાક કામોમાં ગુણવત્તાના સવાલો અને તેમાં પણ બોગસ બીલો આધારે ચોંકાવનારો ભ્રષ્ટાચાર થયો છે. પ્રાથમિક તબક્કે સામે આવેલા એજન્ટોમાં ઈલિયો, સુરો અને ચિન્ટુ મનરેગાના કામોમાં ભૂંડી ભૂમિકા ભજવી ચૂક્યા છે અને ભજવી રહ્યા છે. આ એજન્ટો કોઈ નેતા નથી, સંસ્થાવાળા નથી, કર્મચારી નથી તો પણ મોટા નેતાઓના નજીક હોવાનું જણાવી કરારીના આશીર્વાદે બોગસ બીલો મૂકાવી કરોડો રૂપિયા ખેંચી લેવામાં સફળ થયા છે. અહિં સૌથી જોવા જેવી વાત એ પણ છે કે, સીંગવડ તાલુકામાં એક નહીં પરંતુ અનેક એજન્ટ હોઈ દરેકનો અલગ અલગ દબદબો છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ એજન્ટો ગામનાં આગેવાન કે સાચવવા લાયક વ્યક્તિના વિશ્વાસમાં રહી આ બાજુ તાલુકાના કરારી સુધીના સંપર્કમાં રહી છેક જિલ્લા સુધી તકલીફ ના આવે તેવી માસ્ટરી ધરાવે છે. જોકે તાલુકા કરારી બધું જ જાણતાં હોવા છતાં દરેક ગામમાં લેબર મટીરીયલ રેશિયો ભંગ થતો હોવા છતાં અને આ રેશિયો બાબતે એલર્ટ આવતું હોવા છતાં બેફામ છે. તમે વિચારી ના કરી શકો તે હદે કુલ 10 જણની ટોળકીએ સમગ્ર સીંગવડ તાલુકામાં રોજગારીના કાયદાને બોગસ વેપારમાં ફેરવી રેશિયો ભંગ કરવામાં પણ કોઈ કસર છોડી નથી.
બીજા રીપોર્ટમાં વાંચો ખુદ મનરેગા જણાવે છે, ખૂબ ઓછી મુલાકાત થાય છે સીંગવડ તાલુકામાં
મનરેગાના વિવિધ કામો, એસેટ સહિતનું જોવા ગામ, તાલુકામાં કર્મચારી,અધિકારીઓની મુલાકાતો થાય છે. રૂટિન તબક્કે મનરેગાની એસેટ જોવા જવી, મુલ્યાંકન કરવાની જવાબદારી તાલુકા પંચાયતથી માંડીને છેક દિલ્હી સુધીના અધિકારીઓની જવાબદારી છે. હવે આગામી ન્યૂઝ રીપોર્ટમાં જણાવીશું કે, સમગ્ર દાહોદ જિલ્લામાં પાછલાં એક વર્ષથી તા. 1 ઓક્ટોબર 2024 સુધીની સ્થિતિએ કેટલી મુલાકાતો એરિયા ઓફિસર્સ સિસ્ટમમાં છે.