ઘટસ્ફોટ@ચોટીલા: સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ, ગ્રાહકોને બદલે બારોબાર વેપારીઓને વેચાણ કરાતું

 
ઘટસ્ફોટ

દુકાનદારો ગ્રુપ બનાવી અધિકારીઓની પણ રેકી કરતા હોવાનો ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચોટીલામાં સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ સામે આવી છે. સસ્તા અનાજની દુકાનમાં જરૂરિયાતમંદ ગ્રાહકોને બદલે બારોબાર વેપારીઓને વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું છે. ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ સહિતની વસ્તુઓ બારોબાર વેચી નાખવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ચોટીલા SDM દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાતા સસ્તા અનાજની દુકાનો પર વ્યાપક ગેરરીતિ સામે આવી છે.

ઢોકળવા, દેવપરા અને ખેરાણાની સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ ઝડપાઈ. આ દુકાનોમાં જીવન માટે પ્રાથમિક જરૂરિયાત એવા અનાજ ઘઉં, ચોખા સહિતની વસ્તુઓ ગ્રાહકને વેચાણ ના કરતાં કમાણી કરવાની લાલચે અન્ય દુકાનદારોને બારોબાર વેચાણ કરવામાં આવતું હતું. વસ્તુઓના વેચાણ માટે સોદા કરવા દુકાનદારો દ્વારા સોશિયલ મીડિયામાં ગૃપ બનાવવામાં આવ્યું હતું. ચોટીલા SDM ધ્વારા દરોડા પાડી ચેકિંગ હાથ ધરતાં દુકાનદારો ગ્રુપ બનાવી અધિકારીઓની પણ રેકી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજય સરકાર ગરીબો અને આર્થિક રીતે પછાત લોકોના સરળ જીવનનિર્વાહ માટે વિવિધ યોજના અમલમાં મૂકી છે.

આ યોજના અંતર્ગત સસ્તા અનાજોની દુકાનો પર ગરીબોને ઘઉં, ચોખા, ખાંડ અને તુવેરદાળ જેવી વસ્તુઓ આપવામાં આવે છે. જેથી કરીને રાજ્યમાં ગરીબોનું પણ આરોગ્ય સ્વસ્થ રહે. પરંતુ ગરીબોને અપાતી આ સુવિધામાં પણ કેટલાક લોભી તત્ત્વો લૂંટ ચલાવે છે. ચોટીલામાં ગરીબોના પેટમાં જતું સસ્તું અનાજ અલગ અલગ ફેક્ટરીઓમાં જતા હોવાની શંકાના આધારે સરકારી અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા. હતા.