દારૂકાંડ@ભાવનગર: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપીઓની ધરપકડ

 
દારૂકાંડ
કુલ 27ની ધરપકડ, 13 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગર દારૂકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસનો દાયરો વ્યાપક બનાવી વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ નવી કાર્યવાહી બાદ આ કેસમાં SMC દ્વારા ઝડપાયેલા આરોપીઓની કુલ સંખ્યા વધીને 27 થઈ ગઈ છે. તપાસ દરમિયાન મધ્ય પ્રદેશથી રો-મટીરિયલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી આનંદ છાડીની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.લઠ્ઠાકાંડની મૂળ કડી અને સમગ્ર સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે SMC વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.

મધ્ય પ્રદેશથી નકલી દારૂ બનાવવાનું રો-મટીરિયલ પૂરું પાડનાર આનંદ છાડીની ભૂમિકા અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે. તપાસ એજન્સી દ્વારા તેના નેટવર્ક, અન્ય સહ-આરોપીઓ અને માલ ક્યાં-ક્યાં સપ્લાય થતો હતો તે અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરાઈ છે.ઝડપાયેલા મુખ્ય સપ્લાયર આનંદ છાડીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 12 આરોપીઓને પણ બપોર બાદ રિમાન્ડ મેળવવાની અર્જી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ પૂછપરછ દરમિયાન આ કાંડ સાથે જોડાયેલી વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ લઠ્ઠાકાંડમાં મિથેનોલ યુક્ત નકલી દારૂના સેવનથી અનેક લોકોની તબિયત લથડી હતી, જેમાંથી દુર્ભાગ્યવશ 13 લોકોના મોત નીપજ્યા હતા. SMC દ્વારા સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને પગલે આગામી સમયમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની પણ ધરપકડ થવાની શક્યતા નકારી શકાતી નથી.દારૂમાં મુખ્ય આલ્કોહોલ હોય છે. તેના બદલે અથવા તેની સાથે મિથેનોલ જેવા અયોગ્ય ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ થાય ત્યારે જોખમ જીવલેણ બની શકે છે.