શિક્ષણ@ગુજરાત: RTE કાયદા હેઠળ 86,274 બાળકોને મળ્યો પ્રવેશ, પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ પ્રાઈવેટ શાળાઓમાં આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ રાઉન્ડમાં રાજ્યની કુલ 9,741 પ્રાઈવેટ શાળાઓમાં અનામત રાખવામાં આવેલી 93,860 બેઠકોમાંથી 86,274 બાળકોને ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવ્યો છે. RTE કાયદા અનુસાર, રાજ્યની માન્યતા પ્રાપ્ત પ્રાઈવેટ શાળાઓએ તેમની કુલ બેઠકોના 25 ટકા આર્થિક રીતે નબળા વર્ગ અને વંચિત વર્ગના બાળકો માટે અનામત રાખવાની હોય છે.
આ અનામત હેઠળ પસંદગી પામેલા બાળકોના શિક્ષણનો તમામ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. આ વર્ષે RTE હેઠળ પ્રવેશ માટે રાજ્યભરમાંથી કુલ 2,38,916 ઓનલાઈન અરજીઓ મળી હતી. દસ્તાવેજોની ચકાસણી બાદ 1,75,685 અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે ખોટા અથવા અધૂરા દસ્તાવેજોને કારણે 13,761 અરજીઓ રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, નિયમો અનુસાર ઘરથી 6 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી શાળાઓને પ્રાધાન્ય આપવાનું હોય છે. વાલીઓએ પોતે જ 49,470 અરજીઓ પાછી ખેંચી લીધી હતી.
આ પ્રાથમિકતાના આધારે જ પ્રથમ રાઉન્ડમાં બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.પ્રથમ તબક્કામાં 86,274 બાળકોને પ્રવેશ મળ્યો હોવા છતાં, વાલીઓની પસંદગીના અભાવે હજુ પણ 7,586 બેઠકો ખાલી રહી ગઈ છે. આ ખાલી બેઠકો આગામી તબક્કામાં ભરવામાં આવશે. પ્રથમ તબક્કામાં પસંદગી પામેલા તમામ બાળકોના વાલીઓને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવી છે. તેમણે આગામી 8 મે, ગુરુવાર સુધીમાં તમામ જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત શાળામાં રૂબરૂ હાજર રહીને તેમના બાળકના પ્રવેશને સુનિશ્ચિત કરવાનો રહેશે. પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, બાકીની ખાલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયાનો બીજો તબક્કો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.