શિક્ષણ@ગુજરાત: ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તારીખે જાહેર થશે પરિણામ

ધોરણ-10 અને 12ના કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને જાહેર કરવાની તારીખને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી 15 એપ્રિલ પછી જાહેર કરવામાં આવશે. ત્યારે એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. મે મહિનામાં ધોરણ 10નું પરિણામ જાહેર થઈ શકે છે. ગુજરાત બોર્ડ દ્વારા પરિણામની તૈયારીઓ આખરી તબક્કામાં છે.
હજુ સુધી બોર્ડની પરીક્ષાના પરીણામ જાહેર થવાની કોઈ ચોક્કસ તારીખ સામે આવી નથી. પહેલા ધોરણ 12નું પરીણામ જાહેર કરવામાં આવે છે, કારણ કે ત્યારબાદ વિદ્યાર્થીઓને અલગ અલગ કોલેજમાં એડમિશન લેવાની પ્રક્રિયા પણ જૂન મહિનામાં શરૂ થતી હોય છે. 27 ફેબ્રુઆરીએ રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. રાજ્યમાં GSEB બોર્ડમાં ધોરણ-10 અને 12ના કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.