શિક્ષણ@ગુજરાતઃ ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવાશે
ફાઇલફોટો

 અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતમાં હવે માતૃભાષાના પ્રચાર પ્રસાર પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પ્રથમ વખત માતૃભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવાશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવાશે. GTU સંચાલિત મહેસાણા ખાતેની જીપેરી કોલેજમાં 4 એન્જિનિયરિંગ શાખાઓમાં અભ્યાસ શરૂ થશે.

GTU નાં કુલપતિ નવીન શેઠે કહ્યું કે, અત્યાર સુધી એન્જિનિયરિંગનાં અભ્યાસક્રમો અંગ્રેજીમાં ચાલતા હોવાથી અનેક વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનાં અભ્યાસક્રમથી દૂર રહેવાનો નિર્ણય લેતા હતા. પરંતુ હવે એન્જિનિયરિંગની 4 શાખામાં ગુજરાતી ભાષામાં અભ્યાસ શરૂ થતાં ટ્રાઈબલ અને ગ્રામ્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓ પણ એન્જિનિયરિંગનાં અભ્યાસક્રમ તરફ આકર્ષાશે. ગુજરાતીમાં એન્જિનિયરિંગ કરનાર વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીના વર્ગો વિનામૂલ્યે ચલાવવામાં પણ આવશે. ગુજરાતી અભ્યાસક્રમોની કુલ બેઠકોના 20 ટકા વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ પણ આપવામાં આવશે. 

 અટલ સમારા ચાર તમામોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

તેમણે કહ્યુ કે, સિવિલ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગની શાખામાં વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં અભ્યાસ કરી શકશે. ગુજરાતી ભાષામાં અભ્યાસ ચલાવવા માટે પ્રત્યેક શાખામાં 30 એમ કુલ 120 બેઠકોની GTU ને માન્યતા મળી છે. 

ઉલ્લેખનીય છે કે, નવી શિક્ષણનીતિ અંતર્ગત માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેના અંતર્ગત ગત વર્ષે દેશના 10 રાજ્યોની 19 સંસ્થાઓ દ્વારા 6 પ્રાદેશિક માતૃભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવવામાં આવે છે. ગતવર્ષે ગુજરાતમાંથી એકપણ યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા માતૃભાષામાં એન્જિનિયરિંગનાં અભ્યાસ માટે પરવાનગી માંગવામાં આવતી ન હતી. ચાલુ વર્ષે GTU સંચાલિત મહેસાણા ખાતેની એકમાત્ર જિપેરી કોલેજ દ્વારા જ ગુજરાતી ભાષામાં 4 શાખાઓમાં અભ્યાસ શરૂ કરવા પરવાનગી માંગવામાં આવી હતી. જીપેરી કોલેજ સિવાય આ વર્ષે પણ રાજ્યની એકપણ યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા એન્જિનિયરિંગનાં અભ્યાસક્રમો ગુજરાતીમાં ચાલુ કરવાની પરવાનગી નથી માગી.