કચ્છઃ માધ્યમિક શાળાઓમાં 87 તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 34 શિક્ષકોની બદલીથી ખળભળાટ

વિદ્યાસહાય એક જ જગ્યાએ પાંચ વર્ષ નોકરી કરવાનો નિયમ છે, તો ઉચ્ચતર માધ્યમિક તથા માધ્યમિક શિક્ષકો માટે કેમ નહીં? શિક્ષક માંડ માંડ કચ્છની વિચારશ્રેણી, ભાષા, રહેણીકરણી શીખે ત્યાં સુધી તો તેની બદલી થઈ જાય છે.
 
શિક્ષક

 અટલ સમાચાર, ડેસ્ક


કચ્છમાં શિક્ષકોની બદલી પ્રક્રિયા હાથ ધરાતા શિક્ષકોની મોટી ઘટ પડી છે. માધ્યમિક શાળાઓમાં 87 તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 34 શિક્ષકોની બદલી કરાતા 121 શિક્ષકોની પોતાના વતનમાં બદલી કરવામાં આવી છે. જેને પગલે કચ્છ જિલ્લામાં 121 શિક્ષકોની ઘટ સર્જાઈ છે, જે આગામી શૈક્ષણિક સત્ર માટે ખૂબ જ ગંભીર બાબત છે. જેની અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડશે.

શિક્ષકો માંડ માંડ હજી જિલ્લામાં ગોઠવાયા હોય ત્યાં બદલીઓનો દોર શરૂ થયો છે. કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામડાઓની શાળાઓ જેવી કે પચ્છમ બન્ની, ખડીર, પ્રાંથળ, ગરડા તથા લખપત, રાપર, ભચાઉ સહિતના વિસ્તારમાં એક વર્ષથી નોકરી કરનાર શિક્ષકોની બદલી કરવામાં આવી છે. વિદ્યાસહાય એક જ જગ્યાએ પાંચ વર્ષ નોકરી કરવાનો નિયમ છે, તો ઉચ્ચતર માધ્યમિક તથા માધ્યમિક શિક્ષકો માટે કેમ નહીં? શિક્ષક માંડ માંડ કચ્છની વિચારશ્રેણી, ભાષા, રહેણીકરણી શીખે ત્યાં સુધી તો તેની બદલી થઈ જાય છે.
 

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

આવી પરિસ્થિતિમાં કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર કેમ સુધરે. આ ઉપરાંત સરકારી ગ્રાન્ટના કરોડોના ખર્ચે શાળાના મકાનો બનાવવામાં આવ્યા છે. પરંતુ શિક્ષણ આપનાર શિક્ષક જ નથી, તો એ મકાન શું કામના. ઉપરાંત કચ્છની અનેક શાળામાં શિક્ષકોનો પગાર જ્યાં ફરજ હોવા છતાં નિભાવતા નથી તેવી શાળાના મહેકમમાં થાય છે અને ફરજ પોતાના વતનના ગામોમાં નિભાવે છે. આવી પરિસ્થિતિમાં કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર કેમ સુધરે? જો શિક્ષકોની આવી જ રીતે ઘટ રહી તો કચ્છના અંતરિયાળ ગામડાની શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે.

121 જેટલા શિક્ષકોની પોતાના વતનમાં કરવામાં આવી બદલી છે. હાલમાં કચ્છ જિલ્લામાં માધ્યમિક શાળામાં સામાજિક વિજ્ઞાનના 29 ,ગણિત અને વિજ્ઞાનના 28, અંગ્રેજીના 25, ગુજરાતીના 4 અને હિંદીના 1 મળીને કુલ 87 શિક્ષકોની બદલી પોતાના વતનમાં કરવામાં આવી છે. તો ઉચ્ચતર માધ્યમિકમાં અંગ્રેજી વિષયના 4, અર્થશાસ્ત્ર વિષયના 4, મનોવિજ્ઞાન વિષયના 1, ગુજરાતી વિષયના 7, ભૂગોળના 1, સમાજશાસ્ત્રના 9, નામુના 1, ગણિતનાં 1, જીવ વિજ્ઞાનના 3, ભૌતિકશાસ્ત્રના 2 અને રસાયણ વિજ્ઞાનના 1 મળીને કુલ 34 શિક્ષકોની બદલી પોતાના વતનમાં કરવામાં આવી છે. 

જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તાજેતરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની બદલ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએથી રાજ્યકક્ષાએ બદલી માટેની 261 જેટલી અરજીઓ મોકલવામાં આવી હતી. જે પૈકી 121 શિક્ષકોની બદલી થઈ છે. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઉભો ના થાય તે માટે 50 ટકા મહેકમ જળવાય એ શરતે જ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. દરેક શાળામાં 50 ટકા જેટલો સ્ટાફ જળવાય તે માટે ખૂબ કાળજી રાખીને લગભગ 70 જેટલા શિક્ષકોને જ છુટા કરવામાં આવ્યા છે, જ્યારે 50 જેટલા શિક્ષકોને જ્યારે નવી ભરતી થશે ત્યારે એમને છુટા કરવામાં આવશે.