શૈક્ષણિક@ગુજરાત: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ, ગેરરીતિ કરનાર સામે લેવાશે કડક પગલા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી આરંભ થઈ ચૂક્યો છે. રાજ્યભરમાંથી 15 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10માં 9.17,687 તેમજ 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન નિયમ મુજબ વિદ્યાર્થી, સ્થળ સંચાલક, નિરીક્ષક સહિત પરીક્ષાની કામગીરીમાં જોડાનાર કર્મચારીઓ કે પરીક્ષાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા તો તમામ સામે શિક્ષાત્મક પગલાં તેમજ સજાની જોગવાઈ અંગે શાળાઓને અવગત કરવામાં આવી હતી.
ધોરણ 10માં 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 130થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. 4 જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં ધોરણ 10માં 73 કેદીઓ અને ધોરણ 12માં 57 કેદીઓનો સમાવેશ થાય છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થી પરીક્ષા આપશે તેમજ ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા આપશે.
ગુજરાત બોર્ડ 10ની પરીક્ષાનો સમય સવારે 10:00 થી બપોર 1:15 નો રહેશે.ધોરણ 12માં વાણિજ્ય પ્રવાહની પરીક્ષાઓ સવારે અને બપોરે અલગ અલગ સમયે લેવામાં આવશે. જેમાં સવારનો સમય 10:30 થી 1:45 અને બપોરનો સમય સાંજે 3:00 થી 6:15નો રહેશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો સમય બપોરે 3:00થી 6:30 સુધીનો રહેશે.