શૈક્ષણિક@ગુજરાત: એપ્રિલ મહિનાના અંત સુધીમાં ધોરણ 10 અને 12ના પરીણામો જાહેર કરવાની શક્યતા

 
ગુજરાત બોર્ડ

10 તથા 12 ની બોર્ડ પરીક્ષામાં તમામ શિક્ષક અને કર્મચારીઓના મહેનતાણા વધારવા માટે પણ રજૂઆત થઈ હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા 11મી માર્ચથી શરૂ થઈ હતી. અને પરીક્ષા પૂર્ણ થવાની તૈયારીમાં છે. બીજીબાજુ આ વખતે પરીક્ષાના બીજા દિવસથી ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાશે. તે પહેલા જ એટલે કે એપ્રિલ મહિનામાં જ ધોરણ 10 અને 12ના પરીણામો જાહેર કરી દેવાની બોર્ડની ગણતરી છે.મૂલ્યાકન કાર્ય પુરૂ થતાં જ ડેટા અન્ટ્રીનું કામ શરૂ કરી દેવામાં આવશે. અને વધુ ડેટા ઓપરેટરોને કામે લગાડીને પરિણામ તૈયાર કરવાનું કામ નિર્ધારિત સમયે આટોપી લેવાશે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પદાધિકારીઓની તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી. જેમાં આગામી તારીખ 24, 25 માર્ચના રોજ હોળી ધુળેટીના તહેવારમાં મૂલ્યાંકન કાર્યમાં જોતરાયેલા શિક્ષકોને રજા આપવાની માગ કરવામાં આવી હતી. જે અન્વયે ધૂળેટીના દિવસે જાહેર રજા હોવાથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર બંધ રાખવાની સૂચના અપાશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.

હોળીના દિવસે સ્થાનિક અનુકૂળતા અનુસાર સવારનો સમય, બોર્ડની મંજૂરીની કાર્યવાહી કરી નક્કી કરી શકાશે. લોકસભાની ચૂંટણીને લીધે ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો એપ્રિલમાં જાહેર કરી દેવાની ગણતરી હોવાથી ઉત્તરવહીઓના મૂલ્યાંકન કાર્યને નિર્ધારિત સમયે આટોપી લેવાશે. તેની માહિતી પણ આપવામાં આવી હતી.આ વખતે લોકસભાની ચૂંટણી 7 મી મે યોજાવાની હોય બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીનો આરંભ થઇ ગયો છે અને એપ્રિલ મહિનામાં બોર્ડની પરીક્ષાના પરીણામ પણ જાહેર કરી દેવામાં આવશે.