ચૂંટણી@દેશ: પુડુચેરીમાં BJP ગઠબંધને બહુમતીનો આંકડો પાર કર્યો, 22 બેઠકો પર આગળ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે દેશના પુડુચેરી સહિત પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતોની ગણતરી ચાલુ છે. પુડુચેરી વિધાનસભા ચૂંટણી પરિણામો પર દેશભરની નજર ટકેલી છે. પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે 9 એપ્રિલના રોજ મતદાન થયું હતું, જેની આજે મતગણતરી થઈ રહી છે. તટ્ટનચાવડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ એક પ્રમુખ શહેરી અને ઔદ્યોગિક વિસ્તાર છે. અહીં સ્થાનિક મુદ્દાઓ ચૂંટણી પરિણામોને સીધી અસર કરે છે.
આ બેઠક પર AINRC, કોંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે મુકાબલો છે, જેમાં વી. વૈથિલિંગમ અને એન. રંગાસામી જેવા મોટા નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. મજૂર વર્ગ, વેપારીઓ અને પરપ્રાંતિય વસ્તી ધરાવતા આ વિસ્તારમાં રોજગાર, પાયાની સુવિધાઓ અને સરકારી યોજનાઓ મતદારોના નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં શરૂઆતના વલણોમાં ભાજપ ગઠબંધનને સરસાઈ મળતી દેખાઈ રહી છે. ભાજપ ગઠબંધન 22 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
સરકાર બનાવવા માટે બહુમતીનો આંકડો 16 છે. જેને વલણોમાં ભાજપ ગઠબંધને પાર કરી લીધો છે. તમામ 6 નિર્ધારિત મતગણતરી કેન્દ્રો પર કડક પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ. પુડુચેરીની મોતીલાલ નેહરુ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં બનાવવામાં આવેલા કાઉન્ટિંગ સેન્ટર પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં આજે અનેક મહત્વની વિધાનસભા બેઠકોના મતોની ગણતરી ચાલી રહી છે. પુડુચેરીમાં કોની સરકાર બનશે, તેનું ચિત્ર આજે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. 30 બેઠકોવાળી પુડુચેરી વિધાનસભામાં બહુમતીનો આંકડો 16 છે. આંકડા મુજબ, આ રાજ્યોમાં થયેલા મતદાનમાં રેકોર્ડ મતદાન ટકાવારી પણ નોંધવામાં આવી છે.

