ચૂંટણી@દેશ: તમિલનાડુની તમામ 234 બેઠકો પર આજે મતદાન, મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

 
મતદાન

બંગાળમાં પ્રથમ તબક્કા હેઠળ 152 બેઠકો માટે જંગ જામ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તમિલનાડુની તમામ 234 બેઠકો પર આજે એકસાથે મતદાન થઈ રહ્યું છે. જેમાં આશરે 57.3 મિલિયન મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ પ્રથમ તબક્કા હેઠળ 152 બેઠકો માટે જંગ જામ્યો છે. જેમાં 1478 જેટલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, સવારે 7 વાગ્યાથી જ બંને રાજ્યોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

સવારના 9 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 18.76% અને તમિલનાડુમાં 17.96% જેટલું નોંધપાત્ર મતદાન થયું હતું. મતદાન મથકોની બહાર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને મહિલા મતદારોની સંખ્યા અને ઉત્સાહ પ્રશંસનીય છે. લોકશાહીના આ પર્વમાં નાગરિકો જાગૃતતા બતાવી રહ્યા છે, જે ઊંચા મતદાન તરફ ઈશારો કરે છે. મતદાનની પ્રક્રિયા દરમિયાન પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના નાઓડામાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. AJUPના વડા અને રેજીનગરના ઉમેદવાર હુમાયુ કબીરની મુલાકાત દરમિયાન TMC સમર્થકો સાથે હિંસક અથડામણ થઈ હોવાના અહેવાલો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હુમાયુ કબીર પોલીસ અને સ્થાનિકો સાથે ઉગ્ર દલીલો કરતા જોવા મળ્યા હતા.હિંસા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.