ચૂંટણી@દેશ: અમિતશાહે બતાવ્યો ફાઇનલ આંકડો- ઓડિશા, તેલંગાણા..ક્યાં કેટલી બેઠકો જીતી રહી છે બીજેપી?
આમ આદમી પાર્ટી પણ દિલ્હીમાં પોતાનું ખાતું પણ ખોલાવી નહીં શકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, હવે અંતિમ તબક્કાનુ મતદાન થાય તે પહેલા જ રાજનીતિ તેજ થઇ ગઇ છે. લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે. અમિત શાહે કહ્યું કે, ભાજપ આ વખતે પૂર્વ અને દક્ષિણ ભારતમાં લોકસભાની મોટાભાગની બેઠકો જીતવા જઈ રહી છે. અમિત શાહે શનિવારે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા રાજ્યવાર આંકડા આપ્યા હતા.
તેઓએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં અમને નોંધપાત્ર લીડ મળી રહી છે. અમે અહીં 24 થી 30 બેઠકો જીતી શકીએ છીએ. કહ્યું કે અમારું લક્ષ્ય ઓડિશામાં 21માંથી 17 સીટો જીતવાનું છે, અમારું લક્ષ્ય ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં 147માંથી 75 બેઠકો જીતવાનું છે. તેમણે દાવો કર્યો કે, તેલંગાણામાં ભાજપ 17માંથી 10 સીટો જીતશે. તેમણે કહ્યું, આંધ્રપ્રદેશમાં અમારી ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણીમાં પણ અમને મોટી સંખ્યામાં બેઠકો મળશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, બંગાળ, ઝારખંડ, બિહાર અને ઓડિશાના પૂર્વ વિસ્તારોને જોડીને અમે સૌથી મોટી પાર્ટી બની રહ્યાં છીએ, તે નિશ્ચિત છે.
તેઓએ કહ્યું કે, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુ જેવા દક્ષિણી રાજ્યોમાં તમામ પક્ષોમાં ભાજપ સૌથી વધુ બેઠકો જીતવા જઈ રહી છે. દિલ્હીમાં પણ અમે તમામ 7 સીટો મોટા માર્જિનથી જીતવા જઈ રહ્યા છીએ. આમ આદમી પાર્ટી પણ દિલ્હીમાં પોતાનું ખાતું પણ ખોલાવી નહીં શકે. 400ને પાર કરવાના ટાર્ગેટ પર શાહે કહ્યું કે, જ્યારે અમે 2014માં પૂર્ણ બહુમતનો નારો આપ્યો હતો, ત્યારે પણ દિલ્હીમાં બેઠેલા વિશ્લેષકો કહેતા હતા કે, આ શક્ય નથી, પરંતુ અમને સંપૂર્ણ બહુમતી મળી છે. 2019માં ભાજપે 300 પ્લસનો નારો આપ્યો હતો, લોકો કહેતા હતા કે આવું ના થઈ શકે.