ચૂંટણી@દેશ: આ તબક્કામાં કયા કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ EVMમાં થશે કેદ, જાણો વિગતવાર

 
મંત્રી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર લોકો મતદાન કરશે. સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશભાઈ દલાલ બિનહરીફ ચૂંટાયા છે.અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ માટે મતદાન હવે ત્રીજા તબક્કાની જગ્યાએ છઠ્ઠા તબક્કામાં થશે. આ તબક્કામાં કેન્દ્ર સરકારના સાત મંત્રીઓનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થવાનું છે.આ પ્રધાનોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે.

અમિત શાહ - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અમિત શાહ 2019માં અહીંથી જીત્યા હતા. આ વખતે તેમનો મુકાબલો કોંગ્રેસની સોનલ પટેલ સાથે છે. સોનલ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. 2019માં ગાંધીનગર લોકસભા બેઠક પર 69.3 ટકા મતદાન થયું હતું.

જ્યોતિરાદિત્ય સિંધિયા - દર વખતની જેમ આ ચૂંટણીમાં પણ ગુના લોકસભા સીટ લોકપ્રિય સીટ બની રહી છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપ વતી ગુના લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી સિંધિયા હાલમાં મધ્યપ્રદેશમાંથીભાજપના રાજ્યસભા સાંસદ છે. આ ચૂંટણી માટે કોંગ્રેસે સિંધિયા સામે રાવ યાદવેન્દ્ર સિંહ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડૉ. કે.પી. યાદવે ગુના બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને હરાવ્યા હતા. તે ચૂંટણીમાં અહીં 73 ટકા મતદાન નોંધાયું હતું.

પ્રહલાદ જોશી - પ્રહલાદ જોશી પણ એવા મંત્રીઓમાં સામેલ છે, જેમનું રાજકીય ભાવિ આ તબક્કામાં દાવ પર છે. કેન્દ્રીય કોલસા અને સંસદીય બાબતોના પ્રધાન કર્ણાટકની ધારવાડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. અહીં કોંગ્રેસે પાર્ટીના યુવા નેતા વિનોદ અસુતીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના પ્રહલાદ જોશી 2019માં અહીંથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. ગત ચૂંટણીમાં ધારવાડ બેઠક પર 72.1 ટકા મતદાન નોંધાયું હતું.

મનસુખ માંડવિયા - મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં ભાજપના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા છે. મનસુખ માંડવિયા અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના લલિતભાઈ વસોયા સામે ચૂંટણી લડી રહ્યા છે. 2019માં અહીંથી ભાજપના રમેશભાઈ લવજીભાઈ ધડુક જીત્યા હતા. ગત ચૂંટણીમાં પોરબંદર બેઠક પર 58.9 ટકા મતદાન નોંધાયું હતું.

નારાયણ રાણે - મહારાષ્ટ્રની રત્નાગીરી-સિંધુદુર્ગ સીટ પરની લડાઈ પણ રસપ્રદ છે. અહીંથી ભાજપે કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેને મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ રાણે મહારાષ્ટ્રમાંથી ભાજપના રાજ્યસભા સાંસદ હતા. તેઓ કોંકણના કુડાલ વિધાનસભા ક્ષેત્રમાંથી ઘણી વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આ ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી શિવસેનાના બે વખત સાંસદ વિનાયક રાઉત સામે લડી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાના વિનાયક રાઉતે રત્નાગીરી-સિંધુદુર્ગ સીટ પર જીત મેળવી હતી. તે ચૂંટણીમાં અહીં 65.6 ટકા મતદાન નોંધાયું હતું.

શ્રીપદ યેસો નાઈક - ત્રીજા તબક્કામાં જે કેન્દ્રીય મંત્રીઓનું ચૂંટણી ભવિષ્ય દાવ પર છે, તેમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈકનો પણ સમાવેશ થાય છે. નાઈક​ઉત્તર ગોવાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે રમાકાંત ખલપને મેદાનમાં ઉતાર્યા છે. લોકસભાના ભૂતપૂર્વ સભ્ય ખલપ ગોવાના નાયબ મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. શ્રીપદ યેસો નાઈક 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર ગોવાની બેઠક પરથી જીત્યા હતા.