ચૂંટણી@દેશ: વોટિંગના દિવસે જ કોંગ્રેસે લોકોને NOTAમાં મત આપવા કેમ કર્યો આગ્રહ? જાણો વિગતે

 
નોટા
કોંગ્રેસે આ અપીલ ઈન્દોર લોકસભા મતવિસ્તારના વોટરોને કરી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભાની ચૂંટણી માટે આજે ચોથા તબક્કાનું મતદાન યોજાયું હતુ અને દેશના અનેક રાજ્યોમાં આજે લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એક લોકસભા બેઠક પર આજે કોંગ્રેસે પોતાના ઉમેદવારને બદલે નોટામાં મત આપવા આગ્રહ કર્યો હતો. દેશની સૌથી જૂની પાર્ટીએ આજે None Of The Above(નોટા)માં મત આપવા લોકોને અપીલ કરી હતી જેની પાછળનું એક મહત્વનું કારણ રહ્યું હતુ.

કોંગ્રેસે આ અપીલ ઈન્દોર લોકસભા મતવિસ્તારના વોટરોને કરી હતી. મધ્યપ્રદેશ રાજ્યની કુલ 29 લોકસભા બેઠકોમાંથી 21 પર ત્રણ તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને આજે ચોથા તબક્કામાં બાકીની 8 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું હતુ. આ દરમિયાન, મતદાન કેન્દ્રથી થોડે દૂર કોંગ્રેસના નેતાઓ લોકોને ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે NOTA પર મત આપવા અપીલ કરી રહ્યા હતા. ઈન્દોરમાં વોટિંગ દરમિયાન કોંગ્રેસના નેતાઓ પોલિંગ બૂથથી થોડા અંતરે ટેબલ લગાવીને NOTAનો પ્રચાર કરી રહ્યા હતા. કોંગ્રેસની આ અપીલ ધ્યાને આવતા ચૂંટણી પંચે પક્ષ સામે કાર્યવાહી કરી છે.

આ અંગેની માહિતી મળ્યા બાદ ચૂંટણી પંચના અધિકારીઓએ ત્યાંથી ટેબલ હટાવી દીધું હતું. સાથે જ કોંગ્રેસના નેતાનું કહેવું છે કે આ વખતે જનતા NOTA પર વોટ કરીને ભાજપને પાઠ ભણાવશે. ઈન્દોર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધા બાદ અને ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ અહીં NOTAનો પ્રચાર કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ છેલ્લા કેટલાય દિવસથી આ અંગે પ્રચાર કરી રહી છે. કોંગ્રેસના ઘોષિત ઉમેદવાર અક્ષય કાંતિ બામે પોતાનું નોમિનેશન પરત ખેંચતા હવે ભાજપની સામે SUCI(C) પક્ષના ઉમેદવાર અજિત પનવાર અને BSPના સંજય સોલંકી જ ઉમેદવાર છે અને છેલ્લો વિકલ્પ નોટાનો બાકી રહ્યો હતો.