ચૂંટણી@ગુજરાત: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે મતદાન શરૂ, ગોધરામાં મતદાન મથકે આગ ભડકી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઇ ગયું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયાને એક કલાક પૂર્ણ થતાં આંકડા પણ સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધી ઘણી બેઠકો એવી રહી છે જ્યાં મતદાન લગભગ એક કલાક થયા છતાં શરૂ નથી થયું કેમ કે ઈવીએમમાં ગરબડ થઈ ગઇ હતી. જોકે સરેરાશ બેઠકોની વાત કરીએ તો અત્યાર સુધીમાં 5% જેટલું મતદાન નોંધાયું છે.
રાજકોટના વોર્ડ નંબર 15માં આવેલી સરસ્વતી શિશુ વિદ્યામંદિર સ્કૂલ ખાતે વહેલી સવારથી EVM મશીન બંધ રહેતા મતદારોની લાંબી કતારો લાગી હતી. અડધો કલાકથી વધુ સમય વીતવા છતાં મશીન ચાલુ ન થતા અનેક લોકો મતાધિકારનો ઉપયોગ કર્યા વિના જ પરત ફર્યા હતા. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ આ મામલે આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારમાં જાણીજોઈને મતદાન પ્રક્રિયા ધીમી પાડવા માટે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ચૂંટણીમાં 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનો પાયો નખાઈ જશે તેવું મનાય છે. પાલિકા પંચાયતની કુલ 9268 બેઠકો પર 2551 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. ત્યારે જનપ્રતિનિધિને ચૂંટવા માટે કુલ 4.02 કરોડ મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરશે.
ગોધરાના બામરોલી રોડ પર આવેલી શારદા મંદિર સ્કૂલના મતદાન મથકમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ મતદાન મથકમાં આગ ફાટી નીકળતા નાસભાગનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં જ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, મતદાન મથકમાં લગાવવામાં આવેલા એસી (AC) માં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.જામનગરની એક બેઠક પર ઈવીએમ બગડતાં મતદારો રઝળી પડ્યા હતા. આખરે એક કલાકની દોડધામ બાદ ઈવીએમની ગરબડ દૂર થતાં મતદાન એક કલાક બાદ શરૂ થયું હતું.

