ચૂંટણી@દેશ: કોંગ્રેસ અધ્યક્ષે ભાજપ પર સાધ્યું નિશાન, '400 છોડો 200 બેઠક પણ નહીં મેળવી શકે'

 
ખડગે
ખડગેએ લખનૌમાં અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે લખનૌમાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમ અખિલેશ યાદવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી બાદ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદાય નિશ્ચિત છે. તેમણે કહ્યું કે આ બંધારણ અને લોકશાહીને બચાવવાની ચૂંટણી છે. ખડગેએ દાવો કર્યો કે મોદીજી 400થી વધુ બેઠકો મળવાની વાત કરી રહ્યા છે, પરંતુ હું દાવો કરું છું કે ‘તેઓ 200થી આગળ પણ નહીં નીકળી શકે ‘ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણીના 4 તબક્કા પૂર્ણ થયા બાદ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે અને 4 જૂન પછી સરકાર બનાવશે.

તેમણે કહ્યું, ‘ હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદાય આપવાનો નિર્ણય કર્યો છે. ઈન્ડિયા ગઠબંધન 4 જૂને નવી સરકાર બનાવવા જઈ રહ્યું છે. વડાપ્રધાન તાકાતની વાત કરે છે, પરંતુ જેઓ વારંવાર બંધારણ બદલવાની વાત કરે છે તેમની સામે પગલાં કેમ લેતા નથી? આ દેશના ભવિષ્ય માટેની ચૂંટણી છે, દરેકના અધિકારોનું રક્ષણ કરવાની ચૂંટણી છે. દેશના ભવિષ્યને બચાવવા માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે.’

ભાજપ પર નિશાન સાધતા ખડગેએ કહ્યું કે, જો લોકશાહીને બચાવવી હોય તો બધાએ એક થવું પડશે. આ લોકશાહી અને બંધારણને બચાવવાની ચૂંટણી છે. આજે દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. એક તરફ ગરીબોના પક્ષમાં વિવિધ પક્ષો લડી રહ્યા છે. બીજી તરફ એવા પણ છે જેઓ અમીરોની પડખે ઉભા છે. અમારી લડાઈ ગરીબો માટે છે, જેમને ભોજન નથી મળતું અને નોકરી નથી મળતી. અમારું ગઠબંધન દેશમાં પ્રવર્તતી બેરોજગારી અને મોંઘવારી સામે આ લડાઈ લડી રહ્યું છે. તેઓ તેમના ભાષણમાં મટન, ચિકન અને મંગળસૂત્ર જેવા મુદ્દાઓ લાવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘પીએમ આટલું ખોટું બોલશે તો શું કરીશું? પીએમ મોદીએ રામનું નામ પણ એટલી વાર નહીં લીધું હોય જેટલી કોંગ્રેસને તેમણે ગાળો આપી છે.