ચૂંટણી@મહેસાણા: દેલા ગામમાં સવારથી સાંજ સુધી એક પણ મત ન પડ્યો, શા માટે ગ્રામજનોએ કર્યો બહિષ્કાર?

 
ચૂંટણી
ગામલોકોએ 0 વોટિંગ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવતા દેલા ગામના લોકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. સવારથી બપોર સુધીમાં મતદાન મથક પર એક પણ મત ન પડતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ બહિષ્કારનું કારણ મહાનગરપાલિકામાં સમાવેશ અને TP સ્કીમ સામેનો વિરોધ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે.

બીજી તરફ મહેસાણાના દેલા ગામના બંને બુથમાં 0-0 મતદાન નોંધાતા પ્રાંત અધિકારી ઉર્વીશભાઈ અને મદદનીશ ચૂંટણી અધિકારીએ ગ્રામજનો સાથે ખાસ મુલાકાત કરી હતી. અધિકારીઓએ લોકોને સમજાવાનો પ્રયાસ પણ કર્યો હતો.છેલ્લા 7 મહિનાથી દેલા ગામ સહિત અન્ય કેટલાક ગામોને મહેસાણા મનપામાં સમાવવા બદલ ભારે વિરોધ ચાલી રહ્યો છે.

દેલા ગામમાં ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ લાગુ પડતા ખેડૂતોની કિંમતી જમીન કપાતમાં ગઈ છે, જેના સીધા વિરોધમાં ગામલોકોએ ચૂંટણીથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. દેલા ગામમાં અંદાજે 1700 જેટલા મતદાર હોવા છતાં બહિષ્કારના કારણે કોઈએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો. પોતાની પડતર માંગણીઓ અંગે આજે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસે ગામલોકોએ 0 વોટિંગ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

બીજી તરફ, ચૂંટણી બહિષ્કાર અંગે દેલા ગામના પૂર્વ સરપંચ કિરણ ચૌધરીએ સ્પષ્ટ જણાવ્યું કે, આ ગામને મહેસાણા મહાનગરપાલિકામાં જોડવાનું નહોતું, અને આ મુદ્દે છેલ્લા 7 મહિનાથી હાઈકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. હાઈકોર્ટમાં કેસ પડતર હોવા છતાં ગામને પાલિકામાં ભેળવી દેવામાં આવ્યું છે. પૂર્વ સરપંચ કિરણ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, ટીપી-ડીપીના કારણે ખેડૂતોની જમીન છીનવાઈ રહી હોવાથી અન્ય ગામોના લોકોમાં પણ ભારે નિરાશા જોવા મળી રહી છે. આ રોષના કારણે જ ઉચ્ચરપી ગામમાં માત્ર 6 થી 7 અને તાવડિયામાં 10 થી 12 જેટલા જ મતો પડ્યા છે.

પ્રાંત અધિકારીએ ગ્રામજનોને સમજાવવાના ઘનિષ્ઠ કરતા કહ્યું કે, સરકાર તેમની માંગણી યોગ્ય રીતે પૂર્ણ કરતી હોય છે, તેથી લોકશાહીમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરવો યોગ્ય નથી. જોકે, ગ્રામજનોને પોતાની અમુક શરતો રજૂ કરી છે, અને આગામી નિર્ણય પણ ગામ દ્વારા જ સામૂહિક રીતે લેવામાં આવશે તેવું જણાવ્યુંસરપંછે