ચૂંટણી@બનાસકાંઠા: 614 ગ્રામ પંચાયતો માટે 22 જૂનના રોજ મતદાન યોજાશે, 10 લાખથી વધુ મતદારો મત આપશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠામાં ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભમાં જિલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી, જેમાં 614 ગ્રામ પંચાયતો માટે 22 જૂન રવિવારના રોજ મતદાન યોજાશે. આજે ઉમેદવારી ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે કેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ? બનાસકાંઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ સર્જાયો છે.
ગ્રામ પંચાયતનો વહીવટ કરવા અનેક ઉમેદવારોને મેદાનમાં આવ્યા છે. ત્યારે ચૂંટણી સંદર્ભે બનાસકાંઠા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે જેમાં 614 ગ્રામ પંચાયતો માટે 22 જૂન રવિવારના રોજ મતદાન યોજાશે. જિલ્લામાં કુલ 1182 મતદાન મથકો પર કુલ 10,44,073 મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સહભાગી બનશે. 405 સરપંચની બેઠકો માટે 5,37,488 પુરુષ મતદારો તથા 5,06,585 સ્ત્રી મતદારો ચૂંટણીમાં સહભાગી બનશે. 385 ગ્રામ પંચાયતમાં સામાન્ય/વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણીઓ તથા 229 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીનું આયોજન કરાશે.
405 સરપંચની બેઠકો તથા 3570 વોર્ડના સભ્યોની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે.કલેકટરના જણાવ્યા મુજબ જિલ્લામાં 2263 મતપેટીની સંખ્યા, 115 ચૂંટણી અધિકારી અને 115 મદદનીશ ચૂંટણી અધિકારી સહિત અંદાજે 6,811 પોલિંગ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે. જિલ્લામાં સૌથી વધુ થરાદ તાલુકામાં ૬૬ ગ્રામ પંચાયતમાં કુલ 41 સરપંચની બેઠકો માટે ચૂંટણી તથા સૌથી ઓછી અમીરગઢ તાલુકામાં 17 ગ્રામ પંચાયતમાં 13 સરપંચની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે. જિલ્લામાં સૌથી વધુ મતદારો 16- ડીસા ગ્રામ પંચાયત ખાતે 4500 જેટલા મતદારો ચૂંટણીમાં સહભાગી બનશે. આજે ઉમેદવારી ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે કેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ? એમ કલેકટરે જણાવ્યું હતું.