ચૂંટણી@દેશ: આજે મતદાનનો ચોથો તબક્કો, 11 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં

 
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા 2024ની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં કુલ 283 બેઠકો પર મતદાન થયું છે. લોકસભાની 102 બેઠકો માટે પ્રથમ તબક્કાનું એપ્રિલની 19મીએ, 88 બેઠકો માટે બીજા તબક્કાનું એપ્રિલની 26મીએ જ્યારે 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું 7મી મેએ મતદાન થયું હતું. આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. 

ચોથા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 454, બિહારમાં 55, જમ્મુ-કાશ્મીરમાં 24, ઝારખંડમાં 45, મધ્ય પ્રદેશમાં 74, મહારાષ્ટ્રમાં 298, ઓડિશામાં 37, તેલંગાણામાં 525, ઉત્તર પ્રદેશમાં 130 અને પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે.આંધ્રપ્રદેશની તમામ 25 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન શરૂ થતાની સાથે જ પોલિંગ બૂથ પર બબાલના અહેવાલ સામે આવ્યા. જેમાં YCP કાર્યકરો પર માચેરલામાં TDP બૂથ એજન્ટો પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. હુમલામાં બે એજન્ટોને માથામાં ઈજા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. TDPએ YSRCP નેતા રામચંદ્ર રેડ્ડી પર 7 પોલિંગ બૂથ એજન્ટોના અપહરણ અને કેદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ વખતે જમ્મુ-કાશ્મીરમાં પણ મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મતદાન કેન્દ્રો પર સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. પ.બંગાળમાં મતદાન વચ્ચે પણ હિંસાના અહેવાલ આવવા કોઈ નવાઈની વાત નથી. ત્યાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો તથા ભાજપના કાર્યકરો વચ્ચે રાજકીય માહોલ ગરમાવો જોવા મળતો જ રહે છે. તાજેતરની ઘટનામાં ગઈકાલે મતદાનની પૂર્વ સંધ્યાએ ફરી એકવાર હિંસાના અહેવાલ સામે આવ્યા. જેમાં બોલપુરના કેતુગ્રામ ખાતે મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ થયા બાદ ઘરેે જઈ રહેલાં એક તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર પર દેશી બોમ્બ વડે હુમલો કરાયાની ઘટના બની હતી. જેમાં તેનું મોત નીપજતાં રાજકીય માહોલ ફરી ગરમાયો છે.