ચૂંટણી@દેશ: 1 જૂને દિલ્હીમાં એકત્ર થશે વિપક્ષી નેતા, I.N.D.I.A. ગઠબંધને બોલાવી બેઠક

 
ગઠબંધન
દાવો કરવામાં આવી રહ્યો છે કે NDA ગઠબંધન ત્રીજી વખત સરકાર બનાવશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના દિવસે 1 જૂને I.N.D.I.A. ગઠબંધને નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચૂંટણીના પરિણામોની સાથે ભવિષ્યની વ્યૂહરચના પર પણ મંથન કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. આવી સ્થિતિમાં પરિણામો પહેલા જ આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચૂંટણી બાદના સંજોગોને ધ્યાનમાં રાખીને યોજાનારી આ બેઠકમાં પોતાની વચ્ચે એકતા જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવશે અને આગળની તૈયારી માટે વ્યૂહરચના ઘડવામાં આવશે.

1 જૂનના રોજ  I.N.D.I.A. ગઠબંધનની યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે તમામ સહયોગીઓને આમત્રિંત કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક ચૂંટણીની સમીક્ષા કરવા અને પરિણામ પછીની પરિસ્થતિને લઈને થઈ રહી છે. આ ઉપરાંત  I.N.D.I.A. ગઠબંધનના ભવિષ્યના પગલાં અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવામાં આવી છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે મતદાન થઈ રહ્યું હશે. એટલું જ નહીં તમામ રાજકીય પંડિતો પણ માની રહ્યા છે કે ભાજપને ગત ચૂંટણી કરતા ઓછી બેઠકો મળી રહી છે.

ભાજપે '400 પાર કરવાનો' નારો આપ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે NDA ગઠબંધન ત્રીજી વખત સરકાર બનાવશે.બીજી તરફ કોંગ્રેસ અને I.N.D.I.A. ગઠબંધનના નેતાઓ દાવો કરી રહ્યા છે કે NDA બહુમતી નહીં મેળવી શકશે અને I.N.D.I.A. ગઠબંધન સરકાર બનાવશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેથી લઈને રાહુલ ગાંધી, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, સપાના વડા અખિલેશ યાદવ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ સહિત વિપક્ષના નેતાઓ ભારતમાં ગઠબંધન સરકાર બનાવવાની વાત કરી રહ્યા છે. I.N.D.I.A. ગઠબંધનની બેઠક અંગે દરેકના મનમાં સવાલ છે કે ચૂંટણીના પરિણામો પહેલા વિપક્ષી નેતાઓની બેઠક શા માટે થઈ રહી છે?