ચૂંટણી@દેશ: હરિયાણામાં ભાજપને પ્રચંડ બહુમતી, PM મોદી આજે સાંજે કાર્યકર્તાઓને કરશે સંબોધિત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં આજે મત ગણતરી ચાલી રહી છે. હરિયાણાના વલણોમાં ભાજપ હેટ્રિક લગાવતી નજર આવી રહી છે. વલણો પ્રમાણે ભાજપ 48 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 35 બેઠકો પર આગળ છે. હરિયાણામાં ભાજપ ત્રીજી વખત સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ એટલે કે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના હાથમાંથી હરિયાણા સરકી ગયું છે. હરિયાણામાં ભાજપને પ્રચંડ બહુમતી મળી રહી છે ત્યારે પીએમ મોદી આજે સાંજે ભાજપ મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ આવેલા એક્ઝિટ પોલ અને મત ગણતરીના શરુઆતના તબક્કાને ધ્યાનમાં લેતાં કોંગ્રેસ હરખમાં આવી ગઈ હતી. તેના કાર્યાલય પર મીઠાઈઓ પણ વહેંચાઈ ગઈ હતી. પરંતુ એક કલાક બાદ ભાજપે જંગી બહુમત સાથે લીડ મેળવી રાજ્યમાં હેટ્રિક કરવાની પ્રબળ શક્યતાઓ દર્શાવી બાજી પલટી દીધી છે.હરિયાણામાં શરુઆતના બે કલાકમાં બાજી પલટી ગઈ છે. હરિયાણા કોંગ્રેસના હાથમાં આવતાં-આવતાં રહી ગયું છે. ભાજપે જોરદાર કમબેક કર્યુ છે.
ગણતરીના ત્રણ કલાક બાદ 11 વાગ્યા સુધીની સ્થિતિની વાત કરીએ તો ભાજપ 50 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 34 પર આગળ છે, INLD 2 અને અન્ય 4 બેઠકો પર આગળ છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણમાં ભાજપને બહુમતી મળી છે. જેને લઈને ગુરુગ્રામમાં ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી અને એકબીજાને અભિનંદન આપવાનું શરુ કર્યુ છે. મત ગણતરીના પ્રારંભિક વલણો કોંગ્રેસની તરફેણમાં હતા અને પક્ષને સંપૂર્ણ બહુમતી મળી રહી હતી, પરંતુ અચાનક ચિત્ર બદલાઈ જતાં ભાજપ આગળ વધી રહ્યું છે. તેમ છતાં કુમારી શૈલજાએ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો છે.