ચૂંટણી@દેશ: પાંચમા તબક્કનું મતદાન શરૂ, 9 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન

 
ચૂંટણી
49 લોકસભા બેઠકો માટે કુલ 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા 2024ની ચૂંટણીના પાંચમાં તબક્કા હેઠળ આજે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સંસદીય બેઠકો માટે મતદાન શરૂ થયું છે. ઓડિશા વિધાનસભાના બીજા તબક્કા માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.આજે પાંચમા તબક્કામાં મુંબઈમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે ફિલ્મી સ્ટાર્સે પણ મતદાનની ફરજ નિભાવી હતી. અભિનેત્રી જાહનવી કપૂર મુંબઈના મતદાન મથક પર આવી હતી. આ દરમિયાન, તેમણે દરેકને મત આપવાની અપીલ કરી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મતદાન માટે અપીલ કરી છે. તેમણે કહ્યું, 'લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં, આજે 8 રાજ્યો અને સંઘના પ્રદેશોમાં 49 બેઠકો માટે મતદાન કરવામાં આવશે. હું આ તબક્કાના તમામ મતદારોને તેમના મત આપવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. મહિલાઓ અને યુવા મતદારોને લોકશાહીના આ તહેવારમાં ભાગ લેવાની મારી વિશેષ અપીલ છે.'

આજે પાંચમાં તબક્કામાં 8 કરોડથી 95 લાખથી પણ વધુ મતદારો 94732 મતદાન મથકો પર મત આપશે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કેટલાક મતદાન કેન્દ્રોમાં મતદાન સમાપ્ત થવાના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. લોકસભાના પાંચમાં તબક્કાની 49 લોકસભા બેઠકો માટે કુલ 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.ઓડિશાની 35 બેઠકો માટે 265 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.  ઉલ્લેખનીય છે કે ઓડિશા વિધાનસભાની કુલ 147 બેઠકો છે. જેમાંથી 13 મેના રોજ પ્રથમ તબક્કા હેઠળ 28 બેઠકો પર મતદાન થયું હતું.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાન અને સુરક્ષા કર્મચારીઓને મતદાન કેન્દ્રો સુધી પહોંચાડવા માટે 17 વિશેષ ટ્રેનો, 508 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચમાં તબક્કામાં જે આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસદીય બેઠકો માટે મતદાન થશે તેમાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે.