ચૂંટણી@દેશ: હાવડાથી PM મોદીના પ્રહાર, 'ઇન્ડિયા ગઠબંધનના બધા સાથીઓ ભ્રષ્ટાચારમાં એકસરખા'

 
વડાપ્રધાન મોદી
પીએમ મોદીએ બિહારના પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં ભવ્ય રોડ શો કર્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

I.N.D.I.A. ગઠબંધનના પક્ષોમાં ભ્રષ્ટાચાર એકસમાન ચરિત્ર છે અને તૃણમૂલ કોંગ્રેસે તો તેને પૂર્ણસમયનો કારોબાર બનાવી દીધો છે તેવો આક્ષેપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હાવરામાં કર્યો હતો. તેમણે તૃણમૂલ કોંગ્રેસ પર રાજ્યમાં અશાંતિ સર્જવાનો પણ આક્ષેપ મૂક્યો હતો. આ સાથે તેમણે જાહેરાત કરી હતી કે દેશમાં સીએએના અમલને કોઈ રોકી શકશે નહીં. સંદેશખલીનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે, ગુંડાઓ મહિલાઓને ધમકીઓ આપી રહ્યા છે ત્યારે તૃણમૂલ ગુંડાઓને બચાવવા દરેક હથકંડા અજમાવશે. પશ્ચિમ બંગાળના હાવરામાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસ હોય કે ડાબેરી અથવા ઈન્ડિયા સંગઠનનો અન્ય કોઈપણ પક્ષ, ભ્રષ્ટાચાર મુદ્દે આ બધાનું ચરિત્ર એક સમાન છે.

ઈન્ડિયા બ્લોકના પક્ષો છુપાઈને ભ્રષ્ટાચાર કરતા હતા ત્યારે તૃણમૂલ કોંગ્રેસ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે. પીએમ મોદીએ દાવો કર્યો કે તૃણમૂલનો એજન્ડા રાજ્યના લોકો નહીં પરંતુ ગેરકાયદે વસાહતીઓના કલ્યાણ માટેનો છે. તેઓ ભારતના લોકોને 'બહાર'ના ગણાવે છે પરંતુ અન્ય દેશોમાંથી આવેલા ગેરકાયદે વસાહતીઓને બંગાળમાં આશરો આપે છે. અહીં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અનેક વિસ્તારોમાં તો ભારતીયો જ લઘુમતીમાં આવી ગયા છે

હુગલીના બરાકપૂરમાં PM મોદીએ સંદેશખલીનો મુદ્દો ઉઠાવતા તૃણમૂલના રાજકારણના વોટ બેન્કની ઝાટકણી કાઢી હતી. તેઓએ કહ્યું કે શાસક પક્ષના ગુંડાઓ સંદેશખલીની મહાલઓ પર અત્યાચાર કરે છે અને તેમને ધમકાવી રહ્યા છે કારણ કે આરોપીનું નામ શાહજહાં શેખ છે. અહીં તૃણમૂલના નેતાઓ સામે જાતીય સતામણીના આરોપો ઘડાયા છે. આ જધન્ય ગુનાઓમાં સંડોવાયેલા લોકોને તૃણમૂલ કોંગ્રેસ બચાવવામાં કોઈ કસર બાકી નહીં રાખે.

વડાપ્રધાન મોદીએ તૃણમૂલના શાસનમાં રાજ્યમાં હિન્દુઓ બીજા દરજ્જાના નાગરિક બની ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો.તેમણે કહ્યું જ્યાં સુધી મોદી છે, કોઈપણ નાગરિક્તા સંશોધન કાયદો (સીએએ)ને રદ નહીં કરી શકે કે તેનો અમલ પણ અટકાવી નહીં શકે. અહીં હિન્દુઓને રામનવમી જેવા તહેવારોની ઊજવણી કરતા રોકવામાં આવે છે. દરમિયાન પીએમ મોદીએ બિહારના પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીમાં ભવ્ય રોડ શો કર્યો હતો.