ચૂંટણી@દેશ: જમ્મુ-કાશ્મીરમાં આજે 26 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન, 239 ઉમેદવારો ચૂંટણી મેદાને
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે 26 બેઠકો માટે 239 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જેમાં ઘણા દિગ્ગજો પણ ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં મુખ્ય ઉમેદવારો તરીકે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, JKPCC પ્રમુખ તારિક હમીદ કારા અને ભાજપ જમ્મુ અને કાશ્મીરના વડા રવિન્દર રૈના ચૂંટણી મેદાને છે. ઉલ્લેખનીય છે કે બીજા તબક્કા માટે 3502 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.
આ તબક્કામાં 25 લાખથી વધુ મતદારો ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જમ્મુ વિભાગના ત્રણ જિલ્લા અને કાશ્મીર ખીણના ત્રણ જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને અપીલ કરું છું કે તેઓ પોતાનો મત આપે અને લોકશાહીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે. આ અવસરે હું સૌ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા તમામ યુવાનોને અભિનંદન આપું છું.