ચૂંટણી@દેશ: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન, આ દિગ્ગજ નેતાઓનું ભાવિ EVMમાં થશે સીલ

 
ચૂંટણી
આજે છઠ્ઠા તબક્કાના મતદાન બાદ સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કાનું આજે મતદાન છે. આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 58 સંસદીય ક્ષેત્રોમાં મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં મુખ્યત્વે હરિયાણા અને દિલ્હીમાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7ના ટકોરે મતદાનની શરૂઆત થઈ અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે.

આ બેઠકો પર આજે મતદાન
આજે જે 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાં દિલ્હીની તમામ 7 બેઠકો સહિત યુપીની 14 બેઠકો, બિહારની 8 બેઠકો, પશ્ચિમ બંગાળની 8, હરિયાણાની 10 બેઠકો, ઝારખંડની 4, ઓડિશાની 6 અને જમ્મુ કાશ્મીરની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. અત્રે જણાવવાનું કે પાંચમા તબક્કાના મતદાનમાં 62.2 ટકા મતદાન નોંધાયુ હતું. પાંચ તબક્કાઓમાં 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 428 બેઠકો માટે મતદાન પૂરું થયું છે. આજે છઠ્ઠા તબક્કાના મતદાન બાદ સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થશે અને ત્યારબાદ 4 જૂન પરિણામનો દિવસ રહેશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, તૃણમૂલ કોંગ્રેસના લલિતેશ પતિ ત્રિપાઠી અને ભોજપુરી ફિલ્મ અભિનેતા દિનેશલાલ યાદવ નિરહુઆ સહિત 162 ઉમેદવારોના ભાવિ આજે સીલ થશે.

છઠ્ઠા તબક્કામાં ત્રણ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષ્ણપાલ સિંહ ગુર્જર અને રાવ ઈન્દ્રજીત સિંહ મેદાનમાં છે. 3 પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી, મનોહરલાલ ખટ્ટર અને જગદંબિકા પાલ પણ મેદાનમાં છે. આ ઉપરાંત મનોજ તિવારી, નવિન જિંદાલ, બાંસુરી સ્વરાજ, સંબિત પાત્રા, રાજ બબ્બર પણ પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ છઠ્ઠા તબક્કામાં 889 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી 797 પુરુષો અને 92 મહિલા ઉમેદવારો છે.