ચૂંટણી@ગુજરાત: 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન નોંધાયું, ક્યાં સૌથી ઓછા મત પડ્યા? જાણો

 
Matdan
મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણીપંચ અંતિમ આંકડાઓ જાહેર કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતની કુલ 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 55.22 ટકા મતદાન થયું છે. 25 બેઠકો પૈકી સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર 68.12 ટકા નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 45.59 ટકા થયું છે. અમદાવાદ પૂર્વ, અમરેલી, ભાવનગર, કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં પાંચ વાગ્યા સુધીમાં 50 ટકાથી ઓછું મતદાન થયું છે. આણંદ, બનાસકાંઠા, બારડોલી, ભરૂચ અને છોટાઉદેપુરમાં 60 ટકા કરતાં વધારે મતદાન થયું છે. હવે પછી મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણીપંચ અંતિમ આંકડાઓ જાહેર કરશે

કૉંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં શક્તિસિંહના હાથમાં ભાજપનું ચૂંટણી નિશાન કમળ ધરાવતી પેન જોવા મળે છે. શક્તિસિંહે આરોપ લગાવ્યો હતો કે તેઓ જ્યારે સાડા અગિયાર વાગ્યે મતદાન કરવા માટે ગયા ત્યારે બૂથની અંદર બેસેલા ભાજપના પ્રતિનિધિના હાથમાં કમળના નિશાનવાળી અને નેતાના ફોટાવાળી પેન હતી અને તે લોકોને પેનથી ઈશારા કરી રહ્યો હતો. તેમનું કહેવું છે કે, "ગુજરાતના ઘણાં બધાં મતદાનમથકો પર આ પ્રકારે ભાજપના લોકો તેમનો પ્રચાર કરી રહ્યા છે.

કૉંગ્રેસ પક્ષે સવારે આઠ વાગ્યાથી જ આ મામલે ચૂંટણીપંચને ટ્વીટરના માધ્યમથી ફરિયાદ કરી હતી પરંતુ તેમણે કોઈ પગલાં લીધાં નથી."લોકસભા ચૂંટણીના મતદાન માટે લોકો વહેલી સવારથી મતદાનમથકે ઊમટી પડ્યા હતા. ગરમીના કારણે લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આજે લોકસભાના ઉમેદવારો સહિત દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યું હતું.