ચૂંટણી@ગુજરાત: મનપા-નપામાં ભાજપનો દબદબો, રાજકોટથી કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ

 
ચૂંટણી
આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યની 15 મહા નગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. રાજ્યની 15 મહા નગરપાલિકામાં 49% અને 84 નગરપાલિકામાં 59% મતદાન થયું હતું, જ્યારે 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં અનુક્રમે 61 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

ચૂંટણી પંચે 24 એપ્રિલે જાહેર કરેલી અખબારી યાદી પ્રમાણે, લોકસભા અને વિધાનસભાનો લિટમસ ટેસ્ટ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 732 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.15 મહા નગરપાલિકામાં 43, 84 નગર પાલિકામાં 385, 34 જિલ્લા પંચાયતમાં 52 અને 260 તાલુકા પંચાયતમાં 252 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.

આણંદમાં બોરસદ નપાના વૉર્ડ 4માં ભાજપની જીત, પાલનપુર નપાના વૉર્ડ 1 માં ભાજપની જીત, અંકલેશ્વર નપાના વૉર્ડ 1માં ભાજપની પેનલ જીતી, મહેસાણા નપાના વૉર્ડ 1 અને 6 માં ભાજપને લીડ, તારાપુર નપાના વોર્ડ 1માં ભાજપની પેનલ જીતી, લુણાવાડા નપાના વોર્ડ નંબર 5માં ભાજપની જીત, વલસાડ મનપાના વૉર્ડ નંબર 1,5,9 માં ભાજપની જીત, સુરતમાં મનપાના વૉર્ડ 14માં બે બેઠક પર આપ આગળ, પોરબંદરમાં મનપાના વૉર્ડ નંબર 9માં ભાજપની જીત થઈ છે.

વડોદરા મનપાના વૉર્ડ 6માં કોંગ્રેસની પેનલને લીડ ઉમરગામ નગરપાલિકામાં વૉર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે. વડોદરાના સાવલી નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો. રાજકોટ મનપાના વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ચારેય ઉમેદવાર આગળ, આમોદ નપાના વૉર્ડ 1માં કોંગ્રેસ વિજયી,આમોદ નગરપાલિકાના વૉર્ડ નંબર 1 માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો જીત્યા.