ચૂંટણી@ગુજરાત: ભાજપ ઉમેદવારોની બીજી યાદી જાહેર, ક્યાંક નવા ચહેરાઓને તક મળી તો ક્યાંક દિગ્ગજોના પત્તા કપાયા

 
ભાજપ
અનેક બેઠકો પર જૂના ઉમેદવારોને રિપીટ કરાયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગઈકાલે કેટલીક બેઠકો જાહેર કર્યા બાદ, આજે ભાજપ દ્વારા અમદાવાદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લા માટે ઉમેદવારોની નવી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ક્યાંક નવા ચહેરાઓને તક મળી છે, તો ક્યાંક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપવામાં આવી છે.અમદાવાદ જિલ્લાની નગરપાલિકાઓ માટે ભાજપે ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા છે. જેમાં મુખ્યત્વે ધોળકા, બારેજા અને વિરમગામ નગરપાલિકાની યાદી જાહેર કરવામાં આવી છે. જોકે, હજુ પણ અમદાવાદ જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે, જેના પર સૌની નજર ટકેલી છે.

ખેડા જિલ્લામાં ભાજપે મનપા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જિલ્લાની 9 તાલુકા પંચાયતો માટે પણ નામોની જાહેરાત થઈ ચૂકી છે. જોકે, પાલી જિલ્લા પંચાયત બેઠક પર હજુ પણ ઉમેદવાર નક્કી કરવામાં પેચ ફસાયો હોય તેમ જણાય છે, કારણ કે આ બેઠકની યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. છોટા ઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતની યાદીમાં ભાજપે મિશ્ર વ્યૂહરચના અપનાવી છે. અહીં અનેક બેઠકો પર જૂના ઉમેદવારોને રિપીટ કરાયા છે.

બીજી તરફ મોટી સંખ્યામાં યુવાનોને પણ તક આપવામાં આવી છે.જિલ્લા પંચાયતમાં બે ટર્મથી ચૂંટાતા મલકાબેન પટેલની ટિકિટ કાપવામાં આવી છે. ઉપ પ્રમુખ રહી ચૂકેલા રણજિત ભીલ અને કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવાને પણ આ વખતે ટિકિટ મળી નથી. જ્યારે ઉપેન્દ્ર રાઠવાને મોટી અમરોલ જિલ્લા પંચાયત બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.