ચૂંટણી@ગુજરાત: લોકસભા ચૂંટણીને લઈ ગૃહમંત્રી અમિત શાહની ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક શરૂ

 
અમિતશાહ
લોકસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એક વાર અમદાવાદ આવ્યા છે.સાથે જ તેઓ મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત પણ લઇ શકે છે.મહત્વનું છે કે આ વખતે પણ તેઓ ગાંધીનગર બેઠક પર લોકસભા ચૂંટણી લડવાના છે. 15 માર્ચથી તેમણે પોતાના મત વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ગુરુકુળ રોડથી તેમણે ચૂંટણી પ્રચાર શરુ કર્યો હતા. સુભાષ ચોક પાસે આવેલા હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ અમિત શાહે પ્રચારની શરૂઆત કરી હતી.લોકસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

ભાજપ દ્વારા આ વખતે પણ ગુજરાતની 26 એ 26 લોકસભા બેઠકો જીતવા માટેનો ટાર્ગેટ રખાયો છે. તૈયારીઓના ભાગરૂપે ભાજપે આજે તમામ 182 વિધાનસભા બેઠકો પર પ્રભારી અને કન્વીનરની નિમણુંક કરી છે. સી.આર.પાટીલ તેમની ચૂંટણીલક્ષી રણનીતિ માટે જાણીતા છે. તમામ વિધાનસભા બેઠકો પર પ્રભારી અને કન્વીનર ચૂંટણી સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓ પર નજર રાખશેઅને ક્યાંય કોઇપણ કચાશ ન રહીજાય તેની તકેદારી રાખશે. જે તે ચૂંટણીમાં પ્રભારી અને કન્વીનરની જવાબદારી ખુબજ મહત્વપૂર્ણ ગણાય છે કારણ કે સ્થાનિક સ્તર પર ચૂંટણી સાથે જોડાયેલી તમામ જવાબદારીઓ પ્રભારી અને કન્વીનર સાથે મળીને સંભાળતા હોય છે. ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સતત બીજીવાર ચૂંટણી લડી રહ્યા છે. શાહ ચૂંટણી પ્રચારમાં ઉતરે તે પહેલા પ્રદેશ નેતાઓએ તેમના મત વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો છે.

ગાંધીનગર લોકસભાના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ગાંધીનગરમાં વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠકો યોજી હતી. તેમની સાથે તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા સી.જે. ચાવડા, પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના નેતાઓએ સામાજિક આગેવાનોને મોદી સરકારે કરેલા કામો અને યોજનાઓની માહિતી આપી હતી તેમજ અમિત શાહના સમર્થનમાં મહત્તમ મતદાન થાય તેવા પ્રયાસો કરવા અપીલ પણ કરી હતી.