ચૂંટણી@ગુજરાત: PM મોદીએ બેલેટ પેપરથી કર્યું મતદાન, લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 396 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે મતદાન થવાનું છે, જેમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. કુલ બેઠકોમાંથી 731 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 9,308 બેઠકો માટે સીધી ચૂંટણી યોજાઈ રહી છે.આજે આકરી ગરમી પડવાની છે. આ સ્થિતિને સમજીને જાગૃત નાગરિકો સવારે 7 વાગ્યાથી જ લાઈનોમાં ઉભા રહી ગયા છે. લોકોનો એક જ સૂર છે કે ગરમીનું જોર વધે તે પહેલા જ પોતાનો કિંમતી મત આપી દેવો હિતાવહ છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ વહેલા મતદાનને પ્રાધાન્ય આપી રહ્યા છે.
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માંથી એક ચોંકાવનારી તસવીર સામે આવી છે. અહીંના ઇકરા મતદાન મથક પર મતદાન પ્રક્રિયા દરમિયાન વીજળી ગુલ થઈ જતા મતદારો અને ચૂંટણી સ્ટાફ ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. આકરી ગરમી વચ્ચે પંખા-લાઈટ બંધ થતા લોકોએ મીણબત્તી અને મોબાઈલ ટોર્ચની મદદથી મતદાન કર્યું હતું. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે મતદાન કર્યું છે.
વડાપ્રધાન ગુજરાતની દરેક ચૂંટણીમાં ગુજરાત આવીને મતદાન કરતાં હોય છે. પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ગુજરાત આવ્યા નથી. તેમણે દિલ્હીથી બેલેટે પેપરથી મતદાન કર્યું છે. લોકોને વધુમાં વધુ મતદાન કરવા વડાપ્રધાન મોદીએ અપીલ કરી છે.આ ચૂંટણીમાં કુલ 25,551 ઉમેદવારો મેદાનમાં છે. આજે અંદાજે 4.19 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે રાજ્યભરમાં 49,591 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

