ચૂંટણી@દેશ: ઉત્તર પ્રદેશમાં બુથ કેપ્ચરિંગની ઘટના, એક વ્યક્તિએ 8 વખત મતદાન કર્યું હોવાનો દાવો

 
ચૂંટણી
ઉત્તર પ્રદેશના ઇટાહના મતદાન મથક પર બુથ કેપ્ચરિંગની ઘટના બની છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા 2024ની ચૂંટણી માટે આજે 5માં તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે ઉત્તર પ્રદેશના ઇટાહમાં એક વ્યક્તિએ 8 વખત મત આપ્યાના દાવા પછી, હવે સંબંધિત મતદાન મથક પર ફરીથી મતદાન યોજવામાં આવશે. આ વચ્ચે મત આપેલા તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ મતદાન મથક પર ફરીથી મતદાન કરવાની ભલામણ કરી છે.આજે લોકસભા 2024ની ચૂંટણીના પાંચમાં તબક્કા હેઠળ આજે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સંસદીય બેઠકો માટે મતદાન શરૂ થયું છે. 

ઉત્તર પ્રદેશના ઇટાહના મતદાન મથક પર બુથ કેપ્ચરિંગની ઘટના બની છે. જેમાં એક વ્યક્તિએ દાવો કર્યો કે તેણે 8 વાર મત આપ્યો છે. તેણે પોતાના મતદાનનો વીડિયો પણ બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને એસપીના વડા અખિલેશ યાદવ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે.

આ મામલો પ્રકાશમાં આવ્યા પછી, ઇટાહ ડિસ્ટ્રિક્ટના નાયગાઓન પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાયો છે. આઠ વખત મત આપનારા વ્યક્તિની ઓળખ ખિરિયાના પામરાન ગામના રાજનસિંહ તરીકે થઈ છે. પોલીસે રાજનસિંહની ધરપકડ કરી છે. સમજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર વીડિયો શેર કર્યો છે. આને સાથે લખ્યું છે કે 'જો ચૂંટણી પંચને લાગે છે કે આ ખોટું થયું છે તો તેણે કંઈક પગલાં લેવા જોઈએ, નહીંતર… ભાજપની બૂથ કમિટી ખરેખર તો લૂંટ કમિટી છે.'