ચૂંટણી@દેશ: આજે અંતિમ તબક્કાનું મતદાન, 904 ઉમેદવારો મેદાનમાં, 8 રાજ્યોની 57 બેઠકો પર વોટિંગ શરુ

 
મતદાન
ઓડિશાની બાકીની 42 બેઠકોની વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરુ થયું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની 4, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

યોગી આદિત્યનાથે મતદાન કર્યા બાદ કહ્યું, 'આ લોકશાહીનો તહેવાર છે. આજે ઉત્તર પ્રદેશમાં 13 બેઠકો સહિત 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વિવિધ રાજકીય પક્ષોએ તેમના મુદ્દાઓ જનતા સમક્ષ મૂક્યા છે. મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. હું મતદાન કરવા આવેલા તમામ લોકોનો આભાર માનું છું, અમે કહી શકીએ કે જ્યારે ચોથી જૂને પરિણામ આવશે ત્યારે યુવાનો અને દેશ માટે કામ કરતી પાર્ટી સફળ થશે. ચોથી જૂને ફરીથી મોદી સરકાર બનશે.'આ ઉપરાંત ઓડિશાની બાકીની 42 બેઠકોની વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરુ થયું છે. તેની સાથે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અને સિક્કીમની વિધાનસભા ચૂંટણી પણ થયું છે. આજે અનુરાગ ઠાકુર, કંગના રણૌત, લાલુપુત્રી મિસા ભારતી, મમતાના ભત્રીજા અભિષેકનું ભાવિ પણ સીલ થશે.

આજે 5.24 કરોડ પુરુષ અને 4.82 કરોડ મહિલા મતદારો સાથે કુલ 10.06 કરોડ લોકો મતદાન કરશે. દેશના કુલ 1.09 લાખ મતદાન મથકો પર મતદાન થશે. વારાણસીમાં વડાપ્રધાન મોદી સામે લડનારા ઉમેદવારોમાં કોંગ્રેસના અજય રાય, બીએસપીના એથર જમાલ લારી, યુગ થુલાસી પાર્ટીના કોલીસેટ્ટી શિવકુમાર, અપનાદળના ગગનપ્રકાશ યાદવ, સ્વતંત્ર ઉમેદવાર દિનેશકુમાર યાદવ અને સંજય કુમાર તિવારી મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત ચંદૌલી, મહારાજગંજ અને મિરઝાપુર ખાતે  કેન્દ્રીય પ્રધાનો મહેન્દ્રનાથ પાંડે, પંકજ ચૌધરી અને અનુપ્રિયા પટેલનું ભાવિ પણ ઈવીએમમાં સીલ થશે.