ચૂંટણી@દેશ: નાણામંત્રી નિર્મલા સીતારમણે પૈસાની અછતને કારણે ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર

 
નાણાં મંત્રી
નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકર પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સંપત્તિના મામલામાં દેશની સૌથી ધનિક પાર્ટીના નેતા નિર્મલા સીતારમણે પૈસાની અછતને કારણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે.તેઓ આગામી લોકસભા ચૂંટણી લડશે નહીં કારણ કે, તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. તેમને કહ્યું, "પાર્ટીએ મને પૂછ્યું હતું, પરંતુ એક અઠવાડિયા કે દસ દિવસ વિચાર્યા પછી મેં ના પાડી દીધી. મારી પાસે ચૂંટણી લડવા માટે એટલા પૈસા નથી. મારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે, પછી તે આંધ્રપ્રદેશ હોય કે તામિલનાડુ. વિવિધ માપદંડોનો પ્રશ્ન પણ છે જે જીતની ખાતરી આપે છે. 

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, દેશના નાણામંત્રી પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે પૂરતા પૈસા કેવી રીતે નથી, તો તેમણે કહ્યું, “મારો પગાર, મારી કમાણી, મારી બચત મારી છે, ભારતનું સંકલિત ભંડોળ નથી.”તેમની પાસે તેલંગાણામાં 99 લાખ 36 હજાર રૂપિયાનું ઘર છે. એકલા તેલંગાણામાં જ 16 લાખ રૂપિયાથી વધુની બિનખેતીની જમીન છે.જ્યારે, જમીનની માલિકી માત્ર સીતારમણ પાસે છે.તેમના કહેવા પ્રમાણે, તેમની પાસે 28 હજાર રૂપિયાનું સ્કૂટર છે. 7 લાખ 87 હજાર 500 રૂપિયાની જ્વેલરી છે, જેમાં 315 ગ્રામ સોનું અને બે કિલો ચાંદીનો સમાવેશ થાય છે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે, તેમના બેંકમાં 34,585 રૂપિયા ફિક્સ છે અને રોકડ રૂપિયા 20,100 છે.નિર્મલા સીતારમણ અને તેમના પતિ પરકલા પ્રભાકર પર 8 લાખ 48 હજાર 100 રૂપિયાની હોમ લોન છે. તો સીતારમણ પાસે 10 લાખ રૂપિયાથી વધુનો ઓવરડ્રાફ્ટ અને 22 લાખ 85 હજાર 100 રૂપિયાની મોર્ટગેજ લોન છે.

ચૂંટણીમાં ઉમેદવારો કેટલો ખર્ચ કરી શકે છે?

રાજકીય પક્ષો ચૂંટણી પાછળ કેટલો ખર્ચ કરી શકે તેની કોઈ મર્યાદા નથી. પરંતુ ચૂંટણી પંચે ઉમેદવારોના ખર્ચની મર્યાદા નક્કી કરી છે. લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર 50 લાખથી 70 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. અરુણાચલ પ્રદેશ, ગોવા અને સિક્કિમ સિવાય તમામ રાજ્યોના ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે વધુમાં વધુ 70 લાખ રૂપિયા ખર્ચી શકે છે.અરુણાચલ પ્રદેશ, ગોવા અને સિક્કિમ માટે 54 લાખ રૂપિયાની કેપ રાખવામાં આવી છે. જ્યારે દિલ્હીથી ચૂંટણી લડનાર ઉમેદવાર 70 લાખ રૂપિયા અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો 54 લાખ રૂપિયા ખર્ચ કરી શકે છે.